<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં સામેલ : ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી આવકાર્યા : જુઓ વિડીયો

૨૦૨૪ના આંદોલન સમયે ક્ષત્રિયાણીઓ સાથે થયેલી પોલીસની ટીંગાટોળીનો સ્થાનિક ચૂંટણીમાં બદલો લેવા હાકલ : પંજાબ સરકારની મહિલાલક્ષી યોજનાઓથી પ્રેરિત થઈને પદ્મિનીબાએ ધારણ કર્યો 'આપ'નો ખેસ

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ૨૦૨૪ના ચર્ચિત ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને મહિલા શક્તિનું નેતૃત્વ કરનાર પદ્મિનીબા વાળા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા છે. અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ પદ્મિનીબાનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, જે લોકો વર્તમાન સરકારની તાનાશાહી અને અન્યાયનો ભોગ બન્યા છે, તેવા તમામ સ્વાભિમાની લોકો માટે આમ આદમી પાર્ટીના દ્વાર હંમેશા ખુલ્લા છે.

**સ્થાનિક ચૂંટણીમાં આંદોલનના અપમાનનો બદલો લેવા આહવાન:**
ઈસુદાન ગઢવીએ ૨૦૨૪ના ક્ષત્રિય આંદોલનના દિવસો યાદ અપાવતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આંદોલન દરમિયાન જે રીતે પોલીસે ક્ષત્રિય મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, તે સમગ્ર સમાજ અને નારી શક્તિનું અપમાન હતું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા અને ક્ષત્રિય સમાજ આ અપમાનનો મતાધિકાર દ્વારા બદલો લેશે. પદ્મિનીબા જેવા લડાયક ચહેરાના જોડાવાથી પાર્ટીને જમીની સ્તરે વધુ મજબૂતી મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

**મહિલા સશક્તિકરણની યોજનાઓથી પ્રભાવિત:**
પદ્મિનીબા વાળાએ આમ આદમી પાર્ટી પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યું હતું કે, પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે દર મહિને ₹૧૦૦૦ આપવાની જે કલ્યાણકારી યોજના અમલમાં મૂકી છે, તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. મહિલાઓના હિત અને સન્માન માટે કામ કરવાની ઈચ્છા સાથે તેમણે આ નિર્ણય લીધો છે. ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો 'આપ'માં જોડાતા હવે આગામી દિવસોમાં જ્ઞાતિગત અને રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

(5:55 PM IST)