તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
સરકારની શિક્ષણ યોજનાઓ સમજાવવામાં આપણે નિષ્ફળ રહ્યા :વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીએ કાર્યકરોને ટકોર
વોર્ડ નં. 4 ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધીઓને 'કાચીંડા' કહી, કૌભાંડીઓ દ્વારા થતા 'સુંદરકાંડ' થી સાવધ રહી લોકોને જાગૃત કરવા કાર્યકરોને આહ્વાન કર્યું .

સુરતના વરાછા વિસ્તારમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વરાછાના વોર્ડ નંબર 4 ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાની લાક્ષણિક શૈલીમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ મંચ પરથી તેમણે માત્ર વિરોધીઓ પર પ્રહાર જ નથી કર્યા, પરંતુ પોતાની પાર્ટીના કાર્યકરોને પણ આત્મચિંતન કરવા માટે ટકોર કરી છે.
કુમાર કાનાણીએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં અને તેમને સમજાવવામાં ક્યાંક ને ક્યાંક આપણે કાચા પડ્યા છીએ. તેમણે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સરકારના યોગદાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે લાખો વિદ્યાર્થીઓ પ્રાઈવેટ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. વિદ્યાર્થીઓની ફી, દફતર અને કપડાંની સહાય સરકાર આપે છે, પરંતુ આ હકીકત આપણે જનતા સુધી અસરકારક રીતે પહોંચાડી શક્યા નથી.
વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા કાનાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર જણાવ્યું કે, વિરોધીઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા છે. તેમણે વિરોધ પક્ષના નેતાઓને 'કાચીંડા' સાથે સરખાવતા કહ્યું કે, જે લોકોએ ભૂતકાળમાં અનેક કૌભાંડ કર્યા છે, તેઓ હવે ચૂંટણી નજીક આવતા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે 'સુંદરકાંડ' જેવા ધાર્મિક કાર્યક્રમોના ઓથા હેઠળ રાજનીતિ કરી રહ્યા છે.
તેમણે કાર્યકરોને આહ્વાન કર્યું હતું કે હવે સમય આવી ગયો છે કે જાગૃત બનીને લોકો સમક્ષ સાચી વાત મૂકવામાં આવે. વિરોધીઓના ભ્રામક પ્રચારનો જવાબ વિકાસના કાર્યો અને સાચી માહિતીથી આપવો પડશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો (Workers) અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમને આગામી ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
