News of Tuesday, 7th April 2026
બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત: એકને ગંભીર ઇજા
અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો:પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાવળા ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવી રહેલી ટ્રક અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મોપેડ પર સવાર થઈને ત્રણ વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બે લોકોના સ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા. ત્રીજા વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પોલીસ પકડથી બચવા માટે પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કર્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર( CHC) ખાતે ખસેડ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે થાળે પાડી હતી.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
