તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
અમદાવાદ મનપા ચૂંટણીમાં કોંગ્રેસમાં ટિકિટનો વધતો કકળાટ: શું AIMIMનું આગમન બદલશે રાજકીય ચિત્ર?
જો AIMIM અહીં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે તો તે કોંગ્રેસના પરંપરાગત મતોમાં ગાબડું પાડી શકે: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ્યારથી મીમ પાર્ટીએ પગપેસારો કર્યો

અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસમાં ટિકિટ વિતરણની જવાબદારી પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને દાણીલીમડાના ધારાસભ્યને સોંપાતા પાર્ટીની અંદર અસંતોષનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં છે. ખાસ કરીને જૂના અને વફાદાર કાર્યકરોને અવગણવામાં આવતા અને ટિકિટો કાપવાની સંભાવનાઓને કારણે કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
નવા સીમાંકનના કારણે પોતાની બેઠકો ગુમાવનારા પૂર્વ કોર્પોરેટરો હવે પાર્ટીની આંતરિક કામગીરીથી નારાજ થઈને નવા રાજકીય મંચની શોધમાં છે. આ સંજોગોમાં રાજકીય ગલીઓમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે, આ અસંતોષિત નેતાઓ અને કાર્યકરો AIMIMનો હાથ પકડી શકે છે. જો આવું થાય છે, તો કોંગ્રેસ માટે અમદાવાદના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે.
કોંગ્રેસ માટે આ વખતની ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નથી, પરંતુ વિપક્ષ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ બની ગઈ છે. જો પાર્ટી સમયસર આ આંતરિક કલેહને ડામવામાં નિષ્ફળ જશે, તો મતોનું વિભાજન નિશ્ચિત છે. જેનો સીધો ફાયદો વિપક્ષી પાર્ટીઓને મળી શકે છે. કાર્યકરોના આક્ષેપ મુજબ, જો વફાદારોને અન્યાય થશે તો તેની અસર મતદાનના દિવસે કોંગ્રેસના ખાતામાં મોટી હાર તરીકે જોવા મળી શકે છે.
રાજકીય નિષ્ણાતોના મતે, જો AIMIM અહીં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે તો તે કોંગ્રેસના પરંપરાગત મતોમાં ગાબડું પાડી શકે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ્યારથી મીમ પાર્ટીએ પગપેસારો કર્યો છે, ત્યારથી કોંગ્રેસના સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. કોંગ્રેસના ટોચના નેતૃત્વએ જો તાત્કાલિક ધોરણે આ અસંતોષને દૂર નહીં કર્યો, તો આગામી ચૂંટણીમાં પાર્ટીના કોર્પોરેટરોની સંખ્યામાં મોટો ઘટાડો આવવાની શક્યતા નકારી શકાય નહીં. આગામી દિવસોમાં ટિકિટ વિતરણ બાદ જ ખબર પડશે કે કોંગ્રેસ આ તોફાનને કેવી રીતે શાંત પાડે છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
