તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
વલસાડના કુંભઘાટમાં બે ટ્રક અને બે પીકઅપ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત: ટ્રક ચાલકનું મોત
અન્ય એક ચાલક ટ્રકની કેબિનમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઘાયલ:અકસ્માતના પગલે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો અને હાઈવે પર લાંબી કતારો લાગી

વલસાડના કપરાડા નજીક આવેલા કુંભઘાટ પર ફરી એકવાર અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. અહીં બે ટ્રક અને બે પીકઅપ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતે ભારે તબાહી મચાવી છે. આ ભયાનક અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ચાલક ટ્રકની કેબિનમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતના પગલે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો અને હાઈવે પર લાંબી કતારો લાગી હતી.
વલસાડના કપરાડા વિસ્તારમાં આવેલો કુંભઘાટ તેની જોખમી વળાંકો માટે જાણીતો છે. આજે સવારે અહીં બે ટ્રક અને બે પીકઅપ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને પીકઅપ વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રક ચાલક કેબિનની અંદર લોખંડના પતરામાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ચાલક બચવા માટે આજીજી કરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને કટર અને જેસીબીની મદદથી કેબિનના પતરા કાપીને ચાલકને બહાર કાઢ્યો હતો. ખૂબ જ જહેમત બાદ તેને સલામત રીતે બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના બાદ એકવાર ફરી કપરાડાનો કુંભઘાટ ચર્ચામાં આવ્યો છે. અહીં વારંવાર બનતા અકસ્માતોને કારણે આ રસ્તો 'ડેથ ઝોન' સમાન બની ગયો છે. હાઈવે પર વાહનોના લાંબા જામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા આ જોખમી વળાંક પર વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
