<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સુરતના ચોકબજાર વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

આરોપી સગીરાને લઈ મધ્યપ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હતો:પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો

સુરત :શહેરના ચોકબજાર વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ચોકબજાર પોલીસે બે મહિનાની જહેમત બાદ પકડી પાડ્યો છે. આરોપી સગીરાને લઈ મધ્યપ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હતો, તે પહેલા જ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના એક પરિવારની 15 વર્ષની દીકરી ગત 28 જાન્યુઆરી 2026ના રોજ રાત્રિના સમયે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતા જોતા PI એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળ અને આજુબાજુના અંદાજે 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુરુ નામનો શખ્સ સગીરાને ભગાડી ગયો છે. ટેકનિકલ એનાલિસિસમાં તેનું લોકેશન બારડોલીથી સુરતના પંડોળ ફુલવાડી વિસ્તારમાં ટ્રેસ થયું હતું. પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગુરુ તેના મિત્ર પાસે પૈસા લેવા માટે ફુલવાડી વિસ્તારમાં આવવાનો છે અને ત્યાંથી તે સગીરાને લઈ મધ્યપ્રદેશ નાસી જવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જેવો આરોપી જીલાની બ્રીજથી ફુલવાડી તરફ આવ્યો કે તરત જ તેને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસના હાથે ઝડપાયેલ આરોપીનું નામ ગુરુકુમાર ગોવિંદ શાહ છે. તે મૂળ બિહારના શિવાન જિલ્લાનો રહેવાસી છે અને સુરતમાં છાપરાભાઠા રોડ પર આવેલા સુમન વૈભવ આવાસમાં રહી મજૂરી કામ કરતો હતો. પોલીસ પૂછપરછમાં તેણે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી છે. ચોક બજાર પોલીસે POCSO સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ

કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:02 PM IST)