તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
પાલનપુરની પરણીતાને વિધર્મીઓએ ફસાવી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ
પાલનપુરમાં બીમારી મટાડવાના બહાને પતિના મિત્રએ પરિણીતા સાથે સંબંધ બાંધી, અશ્લીલ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને તેના પતિના જ મિત્રએ બીમારીમાંથી સાજા કરાવવાના બહાને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ ગુજારી ધાક-ધમકી આપી ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાઈ છે. આ કેસમાં થરાદ, ડીસા અને ધાનેરાના કુલ પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર મહિલા અગાઉ અવારનવાર બીમાર રહેતી હતી. આ સમય દરમિયાન તેના પતિના મિત્ર એવા અખ્તરશા ફકીરે મહિલાને સાજી કરાવી દેવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં આવી ગયેલી મહિલા સાથે આરોપીએ ધીરે ધીરે સંબંધો કેળવ્યા હતા. જોકે આ આડા સંબંધોની જાણ મહિલાના પતિને થતા, કંટાળીને પતિએ પત્નીનો ત્યાગ કર્યો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈ મુખ્ય આરોપી અખ્તરશાએ મહિલાને પોતાની જાળમાં વધુ મજબૂતીથી ફસાવી લીધી હતી.
મુખ્ય આરોપી અખ્તરશા ફકીરે મહિલાને સુરક્ષિત આશરો આપવાના બહાને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાના અશ્લીલ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અન્ય આરોપીઓ પણ મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બ્લેકમેલ કરતા હતા. મહિલાએ જ્યારે પણ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને સમાજમાં બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.
આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત ધર્મ પરિવર્તનની છે. આશરે બે વર્ષ પહેલાં, આરોપીઓ મહિલાને ઉનાવા ખાતે આવેલી દરગાહ પર લઈ ગયા હતા. ત્યાં તેને ડરાવી-ધમકાવીને બળજબરીથી નમાજ પઢાવવામાં આવી હતી. મહિલાને બુરખો પહેરાવી તેનું નામ બદલીને 'આઈષાબાનું' રાખવામાં આવ્યું હતું. ધાર્મિક લાગણી દુભાવવા અને મહિલાની ઓળખ ભૂંસી નાખવાના આ કૃત્યથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.
આ ઘટનામાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે અખ્તરશા ફકીર, આરીફ ફકીર, ઇલિયાસ ફકીર, દિલાવરશા જુનેજા અને સાહિલ ફકીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અત્યારે આ લવ જેહાદ અને ધર્માંતરણના પાસાઓ પર પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
