<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બે મહિનાથી ગ્રાન્‍ટ નહીં મળતા મધ્‍યાહન ભોજન યોજના બંધ કરી દેવી પડે તેવી સ્‍થિતિ

પીએમ પોષણ શક્‍તિ અને સીએમ અલ્‍પાહાર યોજના દાતાઓના સહારે : રાજ્‍યની અંદાજે ૨૯ હજાર શાળાઓમાં ડીબીટી દ્વારા એડવાન્‍સ ગ્રાન્‍ટ આપવાની જોગવાઈ હોવા છતાં બે મહિનાથી ચૂકવણી થઈ રહી નથી

અમદાવાદ તા.૮: રાજ્‍ય સરકારની બે મુખ્‍ય યોજનાઓ મધ્‍યાહન ભોજન યોજના અને રેશનિગનું અનાજ આપવાની યોજના વર્ષોથી ચાલતી હોવા છતાં તંત્ર હજુ સુધી તેમાં સુચારૂ વ્‍યવસ્‍થા ગોઠવી શકી નથી. મધ્‍યાહન ભોજન યોજનામાં કઠોળ-દાળ અને અલ્‍પાહાર યોજના માટે ગ્રાન્‍ટ ન મળતા ૧ મે થી ભોજન અને નાસ્‍તો બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી પીએમ પોષણ શક્‍તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા આપવામાં આવી છે.

બાળકોને ભોજન પૂરી પાડતી યોજનાઓ છેલ્‍લા કેટલાક સમયથી ગંભીર સંકટમાં મૂકાઇ હોવાનો દાવો કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્‍દ્રસિહ ચૂડાસમા દ્વારા કરવામાં આવ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે કઠોળ-દાળ અને અલ્‍પાહાર યોજના માટે છેલ્‍લા બે મહિનાથી ગ્રાન્‍ટ ઉપલબ્‍ધ ન થતા શાળા સ્‍તરે યોજનાઓ ચાલુ રાખવામાં ભારે મુશ્‍કેલીઓ ઉભી થઇ છે. જો તાત્‍કાલિક ધોરણે કઠોળ-દાળ ઉપલબ્‍ધ નહીં થાય અને બાકીની ગ્રાન્‍ટ નહીં ચૂકવાય તો યોજનાઓ બંધ કરવાની ફરજ પડશે. હાલ શાળાઓમાં દાતાઓના સહારે તો ક્‍યારેક કોઇ નાગરિકના તિથિ ભોજનના સહારે બાળકોને ભોજન પૂરૂ પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમ છતાં તુવેર દાળ અને ચણાની અછતને કારણે અંદાજે ૩૮ લાખથી વધુ બાળકોને પૂરતું પોષણ મળતું નથી. અનેક વખત ફક્‍ત ભાત જેવી વાનગીઓ પર નિર્ભર રહેવું પડે છે. બાળકોના ભોજનમાં પ્રોટીનનો અભાવ સર્જાયો છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે મુખ્‍યમંત્રી અલ્‍પાહાર યોજના હેઠળ પૌઆ અને ઉપમા જેવી વાનગીઓ જાહેર કરાઈ હોવા છતાં ગ્રાન્‍ટના અભાવે આ યોજના પણ અસરગ્રસ્‍ત બની છે. રાજ્‍યની અંદાજે ૨૯ હજાર શાળાઓમાં ડીબીટી દ્વારા એડવાન્‍સ ગ્રાન્‍ટ આપવાની જોગવાઈ હોવા છતાં બે મહિનાથી ચૂકવણી થઈ રહી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્‍લા ત્રણ મહિનાથી કઠોળ ખરીદી માટે ટેન્‍ડર જાહેર કરવામાં આવ્‍યું નથી. બીજી તરફ મહાનગરપાલિકાની શાળાઓમાં ખાનગી સંચાલકોને પૂરતું કઠોળ મળી રહ્યું છે. શિક્ષણ વિભાગ અને રાજ્‍ય સરકારને અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ આવ્‍યું નથી.

(2:16 PM IST)