News of Wednesday, 8th April 2026
ગાંધીનગરના વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા કોબા- એરપોર્ટ રોડ પર 12 લેનનો કેનાલ બ્રિજ બનશે
નર્મદા કેનાલ બ્રિજનું પણ એક્સપાન્સન થશે. હાલ કોબાથી ઇન્દિરા બ્રિજ સુધીનો હાઇવે સિક્સ લેન છે. નવો કેબલ સ્ટેડ બ્રિજ પણ સિક્સ લેન છે પરંતુ તેની બંને તરફ સર્વિસ રોડ હોવાથી કુલ 12 લેન

ગાંધીનગરને એરપોર્ટ સાથે જોડતા મહત્વના અને વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા કોબા- એરપોર્ટ રોડ પર નર્મદા કેનાલ બ્રિજને પહોળો કરીને હવે 12 લેન બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. હયાત સિક્સ લેન બ્રિજને યથાવત રાખીને બંને તરફ 1 હજાર મીટર લંબાઇ અને 15 મીટર પહોળાઇ ધરાવતા બે બ્રિજ સમાંતર ઉભા કરવામાં આવશે. જેને રીંગ રોડ સાથે પણ એપ્રોચ અપાશે. આ માર્ગ પરથી દરરોજના અંદાજે 1.50 લાખ વાહનો પસાર થાય છે ત્યારે આ માર્ગ પરનું પરિવહન વધુ ઝડપી અને અવરોધમૂક્ત બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 37.33 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામ શરૂ કરી દેવાશે.
ગાંધીનગર એરપોર્ટ રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને વીવીઆઇપી રૂટને અવરોધ મૂક્ત બનાવવા માટે કેબલ સ્ટેડ બ્રિજ સહિતના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે હવે નર્મદા કેનાલ બ્રિજનું પણ એક્સપાન્સન થશે. હાલ કોબાથી ઇન્દિરા બ્રિજ સુધીનો હાઇવે સિક્સ લેન છે. નવો કેબલ સ્ટેડ બ્રિજ પણ સિક્સ લેન છે પરંતુ તેની બંને તરફ સર્વિસ રોડ હોવાથી કુલ 12 લેન થાય છે. નર્મદા કેનાલનો બ્રિજ સીધો કેબલ સ્ટેડ બ્રિજને જોડશે જેથી તેની બંને તરફ નવા બ્રિજ બનાવી કુલ 12 લેન બનાવવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગના આયોજન મુજબ હાલનો બ્રિજ યથાવત રાખવામાં આવશે તેની બંને તરફ સમાંતર નવા બ્રિજ બનાવવામાં આવશે. આ બંને નવા બ્રિજને મેઇન રોડ પર કેબલ સ્ટેડ બ્રિજ સુધી કનેક્ટીવિટી નહીં મળે. આ વ્યવસ્થા એ પ્રકારે ઉભી કરાશે કે જે વાહનોને સીધું કેબલ સ્ટેડ બ્રિજ થઇને એરપોર્ટ તરફ જવું હોય તે હયાત કેનાલ બ્રિજનો ઉપયોગ કરશે. જે વાહનોને ભાટ સર્કલથી રીંગ રોડ તરફ જવું હોય તે વાહનોએ પહેલેથી જ ડાબી તરફની લેન પર જવાનું રહેશે જેથી તે વાહનોને સીધુ રીંગ રોડ તરફ લેન્ડીંગ મળશે, આ જ પ્રકારે રીંગ રોડ તરફથી આવતા વાહનો કેનાલના હયાત બ્રિજની જમણી તરફ નવા બનનારા બ્રિજ પરથી ગાંધીનગર આવી શકશે. આ વ્યવસ્થાથી બ્રિજ પર એકસાથે તમામ તરફનો ટ્રાફિક ભેગો નહીં થાય અને સરળતા રહેશે.બ્રિજ બનતા હજારો વાહનચાલકોને તેનો સીધો લાભ મળશે.
નદીમાં વધારાના બે બ્રિજ બનાવવાના હોવાથી તેમાં મજબૂત પાઇલીંગ અને સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ તો પાણીમાં કામગીરી કરવાની હોવાથી પોન્ટુન પદ્ધતિ એટલે કે પાણીમાં તરતા હોડી જેવા સાધનનો ઉપયોગ કરીને પુલના પાયા તૈયાર કરવામાં આવશે. આ કામગીરી માત્ર 11 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
