News of Wednesday, 8th April 2026
ગોધરામાં અચાનક કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ તબાહી મચાવી :અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી :મકાનોની દીવાલ પડી : પતરાના શેડ ઉડ્યા
કલેક્ટર કચેરીના માર્ગ પર વૃક્ષો પડી જવાથી રસ્તો બ્લોક થઈ ગયો :અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા

ગોધરામાં અચાનક બદલાયેલા વાતાવરણને પગલે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે મકાનોની દીવાલો અને પતરાના શેડ ઉડવાની ઘટનાઓ સામે આવી છે.
સૌથી વધુ નુકસાન જૈન સોસાયટી અને કલેક્ટર કચેરી રોડ પર જોવા મળ્યું છે. જૈન સોસાયટી પાસે એક રહેણાંક મકાનની અગાસીની પેરાફિટ દીવાલ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલી કાર દબાઈ ગઈ હતી, જેમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે. તે જ વિસ્તારમાં એક ઘટાદાર વૃક્ષ પડવાથી એક દુકાનનો આગળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે.
શહેરની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ નજીક એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતા ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આ ઘટનાના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે, જે વાવાઝોડાની તીવ્રતા દર્શાવે છે. કલેક્ટર કચેરીના માર્ગ પર વૃક્ષો પડી જવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘટનાની જાણ થતા જ નગરપાલિકા અને એમજીવીસીએલ (MGVCL)ની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હાલ તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કુદરતી આફતના આ દ્રશ્યોએ શહેરવાસીઓને ભારે ફફડાટમાં મૂકી દીધા છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
