<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

શેરડીના રસના શોખીનો સાવધાન: ચીચોડા પર ગંદકીનું સામ્રાજ્ય: આરોગ્ય વિભાગની લાલ આંખ: નિયમોનો ભંગ કરનારા ૬૧ વેપારીઓને ફટકાર્યો આકરો દંડ

સ્વાદના નામે બિમારીનું વિતરણ? માખીઓ બબડતી હોય તેવા ગંદા મશીનો અને કચરાના ઢગલા જોઈ અધિકારીઓ લાલઘૂમ:ગણતરીની મિનિટોમાં હજારોનો દંડ વસૂલાયો

નડિયાદ: ઉનાળાના પ્રારંભે જ રસ્તાની આજુબાજુ ફૂટી નીકળેલા શેરડીના રસના ચીચોડાઓ પર આજે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. તપાસ દરમિયાન અનેક જગ્યાએ શેરડીના કૂચાના ઢગલા, ગંદા ગ્લાસ અને સ્વચ્છતાના અભાવે માખીઓનો ઉપદ્રવ જોવા મળતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. કુલ ૬૧ જેટલા વેપારીઓ ગંદકી ફેલાવતા ઝડપાતા સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ફરીથી આવી બેદરકારી જોવા મળશે તો ચીચોડા સીલ કરવામાં આવશે. શું હજુ પણ લોકો ગંદા વાતાવરણમાં પીરસાતો રસ પીને બીમારીને નોતરું આપશે?

આ ઝુંબેશ દરમિયાન વિભાગની ટીમોએ શેરડીના ચિચોડા અને રસના વેચાણના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી. જે વેપારીઓ દ્વારા કાર્યસ્થળની આસપાસ શેરડીના કૂચા કે અન્ય કચરો નાખીને ગંદકી કરવામાં આવતી હતી, તેમને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ ૬૧ જેટલા ઇસમો વિરૃદ્ધ વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી અંદાજે રૃપિયા ૨૬,૩૦૦ જેટલી રકમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહીની સાથે વેપારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ વેપારીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને ગ્રાહકોને પીરસવામાં આવતા કચરા કે ગ્લાસનો યોગ્ય રીતે નિકાલ કરવો. વેપારીઓએ પોતાના ધંધાના સ્થળની આસપાસના ૧૦ ફૂટના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ અને રોગચાળા મુક્ત રાખવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈપણ વેપારી વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેનો માલ-સામાન જપ્ત કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. શહેરની સુંદરતા અને જાહેર આરોગ્યને જાળવી રાખવા માટે વેપારીઓ સહકાર આપે તેવી અપીલ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

(6:11 PM IST)