તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
તાપી પોલીસને મોટી સફળતા :ડબલ મર્ડર અને ધાડના કેસમાં 25 વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપ્યો
ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરની નિર્મમ હત્યા કરી ટ્રકમાં રહેલા અંદાજે રૂ. 7 લાખની કિંમતના યાર્નની લૂંટ ચલાવીને ફરાર થયા હતા

તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકમાં નોંધાયેલા વર્ષ 2000ના ગંભીર ડબલ મર્ડર અને ધાડના કેસમાં છેલ્લા 25 વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશથી દબોચી લીધો છે.
વર્ષ 2000માં કિમ ખાતેથી યાર્ન ભરેલો એક ટ્રક નીકળ્યો હતો. આ ટ્રકમાં મુસાફરોના સ્વાંગમાં 8 જેટલા શખ્સો સવાર થયા હતા. વાલોડ નજીક પહોંચતા જ આ શખ્સોનો અસલી ચહેરો સામે આવ્યો અને તેમણે ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરની નિર્મમ હત્યા કરી દીધી હતી. હત્યારાઓએ ટ્રકમાં રહેલા અંદાજે રૂ. 7 લાખની કિંમતના યાર્નની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ચકચારી ઘટનાએ તે સમયે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી હતી.
ઘટના બાદ વાલોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તે સમયે 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જોકે, 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગવામાં સફળ રહ્યા હતા. આ કેસ તાપી પોલીસ માટે પડકારરૂપ હતો. વર્ષો વીતવા છતાં પોલીસે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી. તાજેતરમાં તાપી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી મેળવી હતી કે, આરોપી ગિરીશ ઉર્ફ લલ્લુ મિશ્રા ઉત્તર પ્રદેશમાં પોતાનું નામ બદલીને છુપાયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે.
આ કેસમાં ભલે એક મુખ્ય આરોપી પકડાયો હોય, પરંતુ હજુ પણ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત, આ જ કેસમાં એક આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો, જેની શોધખોળ પણ પોલીસ માટે પ્રાથમિકતા બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. 25 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરીને તાપી પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કર્યો છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
