હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : ફોર્મ ખેંચવાની મુદત પૂરી થતા હવે ૬ મહારથીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોને ચિહ્નોની ફાળવણી સાથે આખરી યાદી પ્રસિદ્ધ કરાઈ : ૨૩મી એપ્રિલે મતદાન અને જનતાના પ્રતિનિધિ નક્કી કરવા આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ

આણંદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજ્યની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે. આ બેઠક માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની સમય મર્યાદા આજે પૂર્ણ થતા જ ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે મેદાનમાં કુલ ૬ ઉમેદવારો બાકી રહ્યા છે, જેઓની વચ્ચે આગામી ૨૩મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે.
ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગત ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટેની નોટિસ પ્રસિદ્ધ કરી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમયપત્રક મુજબ આજે તા. ૦૯.૦૪.૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવી છે અને તમામ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિહ્નોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
ચૂંટણી મેદાનમાં રહેલા હરીફ ઉમેદવારોની વિગત:
૧૧૧-ઉમરેઠ બેઠક પર મુખ્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. હરીફ ઉમેદવારોમાં ભૃગુરાજસિંહ ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ), હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર (ભારતીય જનતા પાર્ટી), મૌલિકભાઈ વિનુભાઈ શાહ (ભારતીય નેશનલ જનતા દળ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો જીતેશકુમાર સેવક, નિરૂપાબેન માધુ અને મહેન્દ્રભાઈ પરમાર પણ નસીબ અજમાવી રહ્યા છે.
ઉમેદવારોના સોગંદનામા ઓનલાઈન જોઈ શકાશે:
ચૂંટણી પંચની કડક સૂચના મુજબ દરેક ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે સોગંદનામું (એફિડેવિટ-ફોર્મ-૨૬) રજૂ કરવું ફરજિયાત છે. પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા આ સોગંદનામા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની અધિકૃત વેબસાઈટ પર અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈપણ નાગરિક અથવા મતદાર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર આપેલી નિયત લિંક પર જઈને ઉમેદવારોની મિલકત, શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો ચકાસી શકશે.
ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે ઉમરેઠ પંથકમાં પ્રચારના ભોંગળ વાગવા માંડશે. રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા પણ ૨૩મી એપ્રિલના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
