<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પનીર અને એનાલોગની તપાસ માટે રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઇવ : ૨૫૨૭ એકમોની તપાસ કરી ૧૮ પેઢીઓ સીલ કરાઈ

૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરમિયાન યોજાયેલ ઝુંબેશમાં ૨૭૦ એકમોને નોટિસ આપી ૨.૮૪ લાખનો દંડ વસૂલાયો : ૭૦૩ કિલો શંકાસ્પદ જથ્થાનો નાશ કરી ૯૫ નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા પનીર અને ચીઝની ગુણવત્તા જળવાઈ રહે તથા ગ્રાહકોમાં સાચી ઓળખ અંગે જાગૃતિ આવે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરમિયાન ચાલેલી આ મેગા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત રાજ્યભરના ફૂડ સેફ્ટી ઓફિસરોએ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય ફૂડ સર્વિસ એકમોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય ડેરી પનીર અને તેના વિકલ્પ તરીકે વપરાતા એનાલોગ પનીર વચ્ચેની સમજણ વિકસાવવાનો અને નિયમોનું પાલન કરાવવાનો રહ્યો હતો.

તપાસ અને કડક કાર્યવાહીના આંકડા:
આ અભિયાન દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો નીચે મુજબ છે:
 * ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ઉત્પાદક, હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સહિત કુલ ૨૫૨૭ એકમોમાં તપાસ કરવામાં આવી.
 * નિયમોના ભંગ બદલ અને ક્ષતિઓ જણાતા કુલ ૨૭૦ એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે.
 * ગંભીર બેદરકારી જણાતા કુલ ૧૮ પેઢીઓને સીલ મારીને બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી.
 * નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા કુલ રૂ. ૨,૮૪,૩૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
 * આરોગ્ય માટે જોખમી કે શંકાસ્પદ એવા કુલ ૭૦૩ કિલોગ્રામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
 * ગુણવત્તાની ઝીણવટભરી તપાસ માટે કુલ ૯૫ જેટલા નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

ફૂડ સેફ્ટી વાન દ્વારા ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ:
આ ડ્રાઇવમાં અત્યાધુનિક ફૂડ સેફ્ટી વાન (FSW) નો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાન દ્વારા કુલ ૬૫૯ એકમોની તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પર જ ૬૭૯ નમૂનાઓનું પ્રાથમિક પરીક્ષણ કરીને ત્વરિત પરિણામો મેળવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એનાલોગ પનીર એ નકલી પનીર નથી, પરંતુ તે ડેરી પનીરનો એક વિકલ્પ છે. આ બાબતે વિક્રેતાઓ અને ગ્રાહકોમાં સાચી સમજણ કેળવવામાં આ અભિયાન સફળ રહ્યું છે.

ભવિષ્યમાં પણ તપાસ ચાલુ રહેશે:
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સ્પેશિયલ ડ્રાઇવ ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. આગામી સમયમાં પનીર કે એનાલોગના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલી ઉત્પાદક પેઢીઓ તથા વિક્રેતાઓને ત્યાં પણ સઘન તપાસ હાથ ધરીને કડક અમલવારી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે નોટિસ, દંડ અને કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા સતત જારી રહેશે.

(6:43 PM IST)