News of Thursday, 9th April 2026
રાજ્યભરમાં પનીર અને 'એનાલોગ પનીર' સામે તવાઈ : કુલ 2527 એકમો પર દરોડા: 18 જેટલા એકમોને સીલ કરાયા
ડ્રાઈવ દરમિયાન 103 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ જથ્થાનો નાશ : નિયમોનું ઉલ્લંઘન કરનારા 210 એકમોને નોટિસ : કાર્યવાહીમાં રૂ. 248300નો દંડ વસૂલ્યો :૬૫ જેટલા નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા

અમદાવાદ :ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા રાજ્યભરમાં પનીર અને 'એનાલોગ પનીર' (નકલી પનીર જેવો પદાર્થ) વેચતા એકમો પર પંજો કસવામાં આવ્યો છે. 4 થી 9 એપ્રિલ દરમિયાન ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં અનેક જગ્યાએ ગ્રાહકોને અસલી પનીરના નામે એનાલોગ પદાર્થ પધરાવી દેવામાં આવતો હતો.
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ રાજ્યવ્યાપી તપાસમાં કુલ 2527 એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરોએ હોટલ, રેસ્ટોરન્ટ અને ઉત્પાદન એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 210 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 18 જેટલા એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્રએ આ આકરી કાર્યવાહીમાં રૂ. 248300નો દંડ વસૂલ્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે 'એનાલોગ પનીર' એ ખરેખર દૂધમાંથી બનતું પનીર નથી પરંતુ વનસ્પતિ તેલ અને અન્ય પદાર્થોનું મિશ્રણ છે. ઘણી હોટલો ગ્રાહકોને જાણ કર્યા વિના કે ડિસ્પ્લે બોર્ડ લગાવ્યા વિના જ પનીરના નામે આ સસ્તો વિકલ્પ પીરસી રહી હતી. આ ડ્રાઈવ દરમિયાન 103 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને ૬૫ જેટલા નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વાન દ્વારા પણ સેંકડો સ્થળોએ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
