<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

યુવા મોરચો ભારતીય જનતા પાર્ટીની શક્તિનું કેન્દ્ર:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો દૃઢ સંકલ્પ

પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષીની અધ્યક્ષતામાં અને પ્રભારી કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે નવરચિત પ્રદેશ યુવા મોરચાની પ્રથમ પ્રદેશ બેઠક યોજાઇ:મજબૂત ટીમવર્ક, સતત સંપર્ક અને સંવાદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળની ભાજપાની કેન્દ્ર તથા રાજ્ય સરકારના જનહિતના કાર્યો અને પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા આહવાન કરતાં ડૉ. હેમાંગભાઈ જોશી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાની યાદી જણાવે છે કે, આજે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષીની અધ્યક્ષતામાં અને પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે નવરચિત પ્રદેશ યુવા મોરચાની પ્રથમ પ્રદેશ બેઠક યોજાઇ હતી.
 ડૉ. હેમાંગભાઈ જોશીએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં સંગઠનશક્તિ, શિસ્ત અને ટીમવર્કના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મજબૂત સંગઠન અને સંકલિત પ્રયત્નોથી જ પક્ષના વિચારોને સમાજના અંતિમ વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. તેમણે યુવા મોરચાના સૌ કાર્યકરોને પોતાના વિસ્તારમાં સક્રિય રહી સતત સંપર્ક અને સંવાદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળની ભાજપાની કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના જનહિતના કાર્યો અને પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
તેમણે આવનારા સમયમાં યુવા મોરચા દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો, અભિયાનો અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સંગઠનને વધુ ગતિશીલ અને પ્રભાવશાળી બનાવવા માટે નવી યોજનાઓ, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ, યુવાનોને જોડવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્ય કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.
મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલે તેમના સંબોધનમાં કાર્યકરોને પ્રેરણા આપતા જણાવ્યું કે યુવા મોરચો પક્ષની શક્તિનું કેન્દ્ર છે અને યુવાનોના ઉત્સાહ અને કાર્યશૈલીથી સંગઠનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાશે. તેમણે તમામ હોદ્દેદારોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા અને સંગઠનના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંકલ્પબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા મોરચાની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ યુવા કાર્યકર્તાઓએ એકજૂટ બનીને ભાજપને ભવ્ય વિજય અપાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
બેઠક દરમિયાન વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ, આવનારી પ્રવૃત્તિઓ, સભ્યતા અભિયાન, તાલીમ વર્ગો તેમજ સમાજસેવાના કાર્યક્રમો અંગે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકરોને સ્થાનિક સ્તરે વધુ સક્રિય બની લોકો સાથે સતત સંવાદ રાખવા અને તેમની સમસ્યાઓને સમજવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જા પૂરી પાડવા તેમજ આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યને વધુ વ્યાપક બનાવવા પણ મંથન કરાયું હતું.
આ બેઠકમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીઓ ડૉ. નરેશભાઈ દેસાઈ, ડૉ. દેવાંગીબેન મૈયડ, ડૉ. ભાવિન શિરોયા સહિત યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના વિવિધ સેલના કન્વીનર અને સહ-કન્વીનર, પ્રદેશ કારોબારી સભ્યો તથા જિલ્લા તથા મહાનગર યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:55 PM IST)