હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણી જંગ : રજાના દિવસે પણ ધમધમશે કચેરીઓ : ફોર્મ ભરવા માટે ઉમેદવારોને મોટી રાહત
૧૧મી એપ્રિલે બીજો શનિવાર હોવા છતાં રાજ્ય ચૂંટણી આયોગે ફોર્મ સ્વીકારવા માટે કચેરીઓ ખુલ્લી રાખવા કર્યો આદેશ

ગાંધીનગર:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આયોગે ઉમેદવારી પત્રો ભરવા અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી છે.
૧૫ મહાનગરપાલિકા અને ૨૫૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણી:
રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, રાજ્યની કુલ ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૫૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ તમામ બેઠકો પર આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન યોજાવાનું છે.
રજાના દિવસે પણ સ્વીકારાશે ફોર્મ:
ચૂંટણી કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. સંજોગોવશાત આ દિવસે મહિનો બીજો શનિવાર હોવાથી તમામ સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે. જોકે, ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી આયોગે ખાસ નિર્ણય લીધો છે કે આ દિવસે પણ ચૂંટણી અધિકારી (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ સંપૂર્ણપણે કાર્યરત રહેશે.
ઉમેદવારો માટે સૂચના:
રાજ્ય ચૂંટણી સચિવ આર.જી. ગોહિલની સહી સાથે બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા મુજબ, જે ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી લડવા ઈચ્છતા હોય, તેઓ રજાના દિવસે પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ નિર્ણયને પગલે અંતિમ દિવસે ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. તમામ વહીવટી તંત્રને પણ આ દિવસે હાજર રહી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
