હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાણંદ GIDC વિસ્તારમાં ચરલ ગામની સીમમાં તળાવમાં ન્હાવા ગયેલી બે સગીરાઓના ડૂબી જવાથી કરુણ મોત
પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા બંને સગીરાઓ જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ :માસૂમ બાળકીઓના નિષ્પ્રાણ દેહ બહાર આવતા જ પરિવારજનોમાં આક્રંદ મચી ગયો

અમદાવાદના સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાણંદના ચરલ ગામની સીમમાં આવેલા એક તળાવમાં ન્હાવા ગયેલી બે સગીરાઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. રમત-રમતમાં આ સગીરાઓ તળાવના પાણીમાં ઉતરી હતી. જોકે, પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા બંને સગીરાઓ જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
બાળકીઓ ડૂબી રહી હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને લોકોએ ભારે જહેમત બાદ બંને સગીરાઓને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. માસૂમ બાળકીઓના નિષ્પ્રાણ દેહ બહાર આવતા જ પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો. આ ઘટનાને પગલે ચરલ ગામ અને સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતા જ સાણંદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને સગીરાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માતે ડૂબી જવાથી સર્જાઈ હોવાનું માલૂમ પડ્યું છે, જેના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ચિંતા જગાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
