તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી અને બ્રિજેશ શ્રીમાળી ૫૦ હજારની લાંચ લેતા એસીબીની જાળમાં : PI ડી.બી. મહેતાએ ગોઠવ્યું સફળ છટકું
કેસમાં મદદ કરવા ૧.૨૦ લાખની માંગણી કરી ૨૦ હજાર ઓનલાઇન મેળવનાર આરોપીઓ સામે મદદનીશ નિયામક એ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ એસીબીની લાલ આંખ

અમદાવાદ: શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ ગાગજીભાઇ મોરી અને તેમના વતી લાંચના નાણાં સ્વીકારનાર ખાનગી વ્યક્તિ બ્રિજેશકુમાર મનસુખભાઇ શ્રીમાળી વિરુદ્ધ એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. નાણાકીય છેતરપિંડીના ગુનામાં જેલમાં બંધ આરોપીને વધુ હેરાન ન કરવા અને વહેલા જામીન અપાવવાના બહાને લાંચ માંગનારા આ બંને શખ્સો પૈકી આરોપી બ્રિજેશ ૫૦ હજારની રોકડ સાથે રંગેહાથે ઝડપાઈ ગયો છે.
*સમગ્ર ઘટનાની વિગત*
આ કેસના ફરિયાદીના ભાઈ તથા અન્ય પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીના ભાઈની ગત ૧૭ ડિસેમ્બરના રોજ ધરપકડ થયા બાદ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી અને પિસાવાડાના બ્રિજેશ શ્રીમાળી સોલા પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીને મળ્યા હતા. લક્ષ્મણ મોરીએ ફરિયાદીના ભાઈને ગુનામાં વધુ હેરાન ન કરવા, ચાર્જશીટ વહેલી ફાઇલ કરવા, અન્ય ગુનો દાખલ ન કરવા અને વહેલા જામીન અપાવવા પેટે ૧,૨૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી.
*રૂપિયા ૨૦ હજાર ફોન-પે થી ઓનલાઇન લીધા*
લાંચની રકમ અંગે થયેલી રકઝકના અંતે ૭૦,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ પૈકી ૨૦,૦૦૦ રૂપિયા લક્ષ્મણ મોરી વતી બ્રિજેશ શ્રીમાળીએ અગાઉ ફરિયાદીના ભાઈ પાસેથી ફોન-પે મારફતે ઓનલાઇન મેળવી લીધા હતા. બાકીના ૫૦,૦૦૦ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.
*સરખેજ સર્કલ પાસે ટ્રેપ ગોઠવી ધરપકડ કરી*
ફરિયાદના આધારે એસીબી ફિલ્ડ-૩ (ઇન્ટેલિજન્સ વિંગ) ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. મહેતા અને તેમની ટીમે ૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ સરખેજ સર્કલ નજીક આવેલા ઉપ સરપંચ ટી સ્ટોલ પર છટકું ગોઠવ્યું હતું. આ સ્થળ પર આરોપી બ્રિજેશ શ્રીમાળીએ કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૫૦,૦૦૦ રૂપિયા સ્વીકાર્યા હતા. એસીબીની ટીમે પંચની હાજરીમાં બ્રિજેશને લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી લીધો હતો.
*તપાસ અને કાર્યવાહી*
ટ્રેપ દરમિયાન આરોપી બ્રિજેશ શ્રીમાળી સ્થળ પરથી પકડાઈ ગયો છે, જ્યારે મુખ્ય આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી સ્થળ પર હાજર ન હોવાથી તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એસીબીએ ૫૦,૦૦૦ રૂપિયાની લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સફળ ઓપરેશન અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક એ.વી. પટેલના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
