તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
સ્થાનિક ચૂંટણીમાં વાહનોના ભાડા વધારા પર ‘બ્રેક':જૂના ભાવથી જ ચૂકવણું થશે
વાહન માલિકોની ભાવ વધારાની આશા પર પાણી

અમદાવાદ,તા.૧૦: રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સરકારી કાર્યક્રમોમાં વાહનોના ભાડા વધારામાં બ્રેક' મારી જૂના ભાવ મુજબ જ ચૂકવણું કરાશે. ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા ચૂંટણી કાર્યોમાં રોકાતા ખાનગી વાહનોના ભાડા વધારાના દર નક્કી કરવામાં આવ્યા છે. જોકે, નવાઈની વાત એ છે કે, આ વખતે વાહન માલિકોને કોઈપણ પ્રકારનો ભાડા વધારાનો લાભ અપાયો નથી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી વખતે જે દર નક્કી કરાયા હતા, તે મુજબ જ હાલમાં ચૂકવણું કરાશે.ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીના અંદાજે ૧૪ મહિના બાદ યોજાયેલી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં
વાહનોના દૈનિક ભાડામાં રૂ.૭૦૦ સુધીનો સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો. વાહન માલિકો એવી આશા રાખી રહ્યા હતા કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ વધારો
જળવાઈ રહેશે અથવા મોંઘવારીને ધ્યાને રાખી નવો સુધારો થશે. પરંતુ, તંત્રએ લોકસભાના દરોને બાજુ પર મૂકી ફરી ૨૦૨૨ના જૂના ભાવપત્રકને જે માન્ય રાખતા વાહન માલિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
હાલ નક્કી કરાયેલા ભાવની શરતો મુજબ કિલોમીટર મર્યાદા વાહનોના દૈનિક વળતર માટે દિવસ દરમિયાન ૩૦૦ કિમી સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી ડયુટીમાં રોકાયેલા ડ્રાઈવરને દૈનિક રૂ.૬૦૦ થી ૭૦૦ મહેનતાણું ચૂકવવામાં આવશે. નક્કી કરાયેલા દરોમાં જીએસટી અને ટોલ ટેક્સનો સમાવેશ થતો નથી. આ ખર્ચ ઓપરેટરોને બિલ મુજબ અલગથી ચૂકવવામાં આવશે. નવા ભાવપત્રકમાં ઈનોવા ક્રિસ્ટા જેવા લક્ઝરી વાહનોથી લઈને સામાન્ય બસ અને ઓટો રિક્ષા સુધીના તમામ વાહનોના દરની યાદી તૈયાર કરવામાં આવી છે. સરકારી કાર્યક્રમો અને મતદાન મથકો સુધી સામગ્રી પહોંચાડવા માટે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. એકાદ વાહનના ક્રિમીના ભાવમાં રૂ. ૩૦૦નો વધારો કરાયો છે, તો બે વાહનોના ક્રિમીના ભાવમાં ઘટાડો કરાયો છે.

(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
