News of Friday, 10th April 2026
રાજ્યના ૧ લાખ પ્રાથમિક શિક્ષકોને ગ્રાન્ટના અભાવે પગાર જ મળ્યો નથી!
પગાર ન મળવાથી લોન, ઘર ખર્ચ સહિતની જવાબદારીઓમાં શિક્ષકોને ભારે હાલાકી : શૈક્ષિક સંઘની રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે ૧૪૮૧ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરીઃ અમુક તાલુકામાં સ્વભંડોળમાંથી શિક્ષકોના પગાર કરાયા, ગ્રાન્ટ મળતા હવે પગાર થશે

અમદાવાદ,તા.૧૦: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૧ લાખ જેટલા શિક્ષકોને ચાલુ માસમાં હજુ સુધી પગાર મળ્યો ન હોવાથી તેમની સ્થિતિ કફોડી બની છે. ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી ન હોવાના પગલે શિક્ષકોના પગાર થઈ શક્યા ન હતા. અમુક તાલુકામાં સ્વભંડોળમાંથી શિક્ષકોના પગાર કરવામાં આવ્યા હતા. જોકે, મોટાભાગના શિક્ષકોને હજુ પગાર મળ્યો ન હોવાથી શૈક્ષિક મહાસંઘે શિક્ષણ સચિવને રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના ૬ જિલ્લામાં રૂ.૧૩૯.૮૦ કરોડની ગ્રાન્ટ અને બાકીના ૩૪ જિલ્લાની રૂ.૧૩૪૧.૫૫ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે. આમ, રૂ.૧૪૮૧ કરોડની ગ્રાન્ટ રિલીઝ થતાં ટૂંકમાં પગાર થશે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ચાલુ માસમાં હજુ સુધી પગાર મળ્યો ન હોવાની વિગતો સામે આવી છે. મોટાભાગે દર માસની ૫ તારીખ સુધીમાં શિક્ષકોને પગાર કરી દેવામાં આવતો હોય છે. પરંતુ ચાલુ માસમાં પગાર ગ્રાન્ટ ફાળવવામાં આવી ન હોવાના પગલે શિક્ષકોના પગાર થઈ શક્યા નથી. આમ, નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ગ્રાન્ટના અભાવે શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યભરના શિક્ષકોને સમયસર પગાર ન મળવાથી તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા શિક્ષકો પર બેંક લોનના હપ્તા, ઘરખર્ચ, બાળકોના શિક્ષણ ખર્ચ તેમજ અન્ય દૈનિક જવાબદારીઓનો ભાર છે, જે પગાર વિના સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં અંદાજે ૧.૭૨ લાખ શિક્ષકો છે, જેમનો પગાર સમયસર થયો ન હતો. જોકે, અમુક તાલુકામાં સ્વભંડોળમાંથી પગાર કરાયો હતો, જેથી શિક્ષકોને મુશ્કેલી ન પડે. જેના પગલે લગભગ ૭૦થી ૮૦ હજાર શિક્ષકોના સ્વભંડોળમાંથી પગાર કરાયા હતા. જોકે, હજુ એક લાખ શિક્ષકોના પગાર બાકી છે. આ મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ સચિવને રજૂઆત કરાઈ હતી. જેમાં ગંભીર મુદ્દાને તાત્કાલીક ધ્યાને લઈને રાજ્ય કક્ષાએથી તમામ જિલ્લાને જરૂરી પગાર ગ્રાન્ટ વિલંબ વિના ફાળવવામાં આવે અને બાકી રહેલ પગારની ચુકવણી તાત્કાલિક સુનિヘતિ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. ઉપરાંત, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે જિલ્લાઓને પૂર્વગ્રહિત રીતે ગ્રાન્ટ ફાળવવાની સુવ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.
શૈક્ષિક સંઘની રજૂઆતના પગલે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલીક ૬ જિલ્લામાં રૂ.૧૩૯.૮૦ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરાઈ છે. જેમાં અમદાવાદ શહેરમાં રૂ.૫૬.૭૦ કરોડ, રાજકોટમાં રૂ.૧૧.૨૦ કરોડ, સુરતમાં રૂ.૪૩.૮૦ કરોડ, વડોદરામાં રૂ.૧૩.૮૦ કરોડ, જામનગરમાં રૂ.૪.૮૦ કરોડ અને ભાવનગરમાં રૂ.૯.૫૦ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરાઈ છે. ત્યારબાદ અન્ય એક પરિપત્ર દ્વારા બાકી રહેલા ૩૪ જિલ્લાની પણ ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે. જેમાં રૂ.૧૩૪૧. ૫૫ કરોડની ગ્રાન્ટ રિલીઝ થઈ હોવાનું જાણવા મળે છે. આમ, ગ્રાન્ટ રિલીઝ થતાં હવે આગામી દિવસોમાં શિક્ષકોને પગાર મળશે
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
