<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમદાવાદમાં ઢોંસાનું ખીરૂં ખાધા બાદ બે બાળકના કથિત મોતનો મામલો : માતા-પિતાના બ્‍લડ રિપોર્ટમાં ઉંઘની દવાના અંશ મળ્‍યા

ઘરમાંથી ડાયરી મળી : જેમાં પુત્ર માટે માનતા રાખી હોવાનું માતાનું લખાણ મળ્‍યું

અમદાવાદ, તા. ૧૧ : શહેરના ચાંદખેડા વિસ્‍તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્‍પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્‍યો છે, જેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે. અત્‍યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્‍સો માનવામાં આવતો હતો, તેમાં હવે ધેનની દવાના કન્‍ટેન્‍ટ મળી આવતા રહસ્‍ય વધુ ગૂંચવાયું છે.

ચાંદખેડા પોલીસ સ્‍ટેશનના પીઆઈના જણાવ્‍યા મુજબ, ખાનગી હોસ્‍પિટલમાં દાખલ બાળકીઓના માતા-પિતા, વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્‍લડ સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ રિપોર્ટમાં બંનેના લોહીમાં ઘની દવાના અંશો અથવા તે પ્રકારનું કન્‍ટેન્‍ટ મળી આવ્‍યું છે. જોકે, પોલીસ હજુ સત્તાવાર રીતે એફએસએલ (FSL) ના ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં આવી શકે છે.

શરૂઆતમાં પરિવારનો આક્ષેપ હતો કે, ડેરીમાંથી લાવેલા ઢોંસાના ખીરાને કારણે આ દુર્ઘટના ઘટી છે. પરંતુ પોલીસ અને નિષ્‍ણાતોના મતે માત્ર ખીરું ખાવાથી બે બાળકીઓના મોત થાય અને માતા-પિતા ગંભીર હાલતમાં પહોંચી જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. બ્‍લડ રિપોર્ટમાં ઘની દવા મળતા હવે પોલીસ નીચે મુજબની દિશાઓમાં તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા અને કેટલીક જગ્‍યાએ એવી ચર્ચાઓ હતી કે, પોલીસે ઘરમાંથી વાસણો જપ્ત કર્યા છે, પરંતુ પીઆઈએ આ વાતોને નકારી કાઢી છે. તેમણે સ્‍પષ્ટતા કરી છે કે આ ઘટના ૩ તારીખની છે, તેથી વાસણો તો કયારનાય ધોવાઈ ગયા હોય. અત્‍યારે તેમાંથી કોઈ પુરાવા મળવા શકય નથી. સીસીટીવી ફૂટેજમાં માત્ર એટલું જ જોવા મળ્‍યું છે કે દંપતી ખીરું લેવા જાય છે અને પરત ફરે છે.

પોલીસ હવે વિમલ પ્રજાપતિ અને તેમના પત્‍નીના નિવેદનો ફરીથી લેશે. ઘની દવા તેમના શરીરમાં કઈ રીતે પહોંચી અને શું તે જ બાળકીઓના મોતનું મુખ્‍ય કારણ છે, તે સવાલ હવે કેન્‍દ્રસ્‍થાને છે. એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવ્‍યા બાદ આ ગૂંચવાયેલા કેસમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શકયતા છે. માસૂમ મિષ્ટિ અને રાહાના મોત પાછળ ખરેખર કોણ જવાબદાર છે? તે જાણવા આખો દેશ અત્‍યારે એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના મામલે પોલીસ તપાસ દરમિયાન અનેક મહત્‍વપૂર્ણ ખુલાસા સામે આવ્‍યા છે. પ્રાથમિક આશંકા મુજબ પુત્રપ્રાપ્તિની ઈચ્‍છા કારણે બાળકીની હત્‍યા કરવામાં આવી હોવાનો સંદેહ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે. અત્‍યાર સુધીની તપાસમાં પોલીસએ કુલ ૨૫ લોકોના નિવેદન નોંધ્‍યા છે. ઘરમાંથી મળેલી એક ડાયરીમાં પત્‍નીની પુત્રપ્રાપ્તિ અંગેની ઈચ્‍છાનો ઉલ્લેખ મળ્‍યો હોવાનું પણ જાણવા મળ્‍યું છે, જેમાં માતાએ પુત્ર માટે માનતા રાખી હોવાનું લખાણ હોવાનું કહેવાય છે. ઉપરાંત, પોલીસએ વધુ તપાસ માટે પતિ અને પત્‍નીના કોલ ડીટેઇલ રેકોર્ડ (CDR) પણ મંગાવ્‍યા છે જેથી સમગ્ર ઘટનાની કડી જોડાઈ શકે

(4:11 PM IST)