<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ભાજપમાં રાતભર મથામણ છતા ઉમેદવારો પર સસ્‍પેન્‍સ યથાવત

ગાંધીનગરમાં મોડી રાત્રી ૩ વાગ્‍યા સુધી મેરેથોનઃ અંતિમ ઘડીએ ‘સરપ્રાઇઝ' પૂર્વ પદાધિકારીઓને ટિકિટ આપવી કે નહી તે મુદ્દે ગુંચવણ : સાંજે ગમે ત્‍યારે તમામ ઉમેદવારોની યાદી જાહેર થવાની શકયતા

રાજકોટ, તા.૧૦: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ ફાળવણીનો મેરેથોન મંથન ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક ગઈકાલે રાત્રે ૩ વાગ્‍યા સુધી ચાલી હોવા છતાં ઉમેદવારોના નામ અંગે અંતિમ નિર્ણય જાહેર થઈ શકયો નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે સસ્‍પેન્‍સ યથાવત રહ્યો છે.

સવારે ફરીથી ચૂંટણી સમિતિની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્‍યના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તાત્‍કાલિક શરૂ કરી દેવા અને તમામ તૈયારી પૂર્ણ રાખવા માટે આદેશ આપવામાં આવ્‍યા છે. પક્ષના સૂત્રો મુજબ આજે ગમે ત્‍યારે તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. ટિકિટ ફાળવણીમાં સૌથી મોટો ગૂંચવણનો મુદ્દો એ છે કે, અગાઉ મેયર, ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન કે જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા પદ પર રહી ચૂકેલા નેતાઓને ફરી કોર્પોરેટર અથવા સભ્‍ય તરીકે ટિકિટ આપવી કે નહીં. આ મુદ્દે પાર્લામેન્‍ટરી બોર્ડ કોઈ એકમત નિર્ણય લઈ શકયું નથી, જેના કારણે યાદી ફાઈનલ હોવા છતાં જાહેર કરવામાં વિલંબ થયો છે.

એક તરફ તમામ મહાપાલિકાઓ માટે એકસરખા નિયમો લાગુ કરવાની જરૂરિયાત છે, તો બીજી તરફ સ્‍થાનિક જાતિગત અને રાજકીય સમીકરણોને ધ્‍યાનમાં રાખીને કેટલાક સ્‍થળોએ પૂર્વ મેયરોને ટિકિટ આપવાની ફરજ પડી શકે છે. આવી સ્‍થિતિમાં એક જગ્‍યાએ અપાય અને બીજી જગ્‍યાએ નહીં અપાય તો પક્ષમાં અસંતોષ ફાટી નીકળે તેવો ભય પણ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.

આ વખતે ભાજપે સ્‍થાનિક ચૂંટણીમાં પણ દિલ્‍હી હાઈકમાન્‍ડ પાસેથી માર્ગદર્શન માગ્‍યું હોવાની ચર્ચા છે. સામાન્‍ય રીતે સ્‍થાનિક ચૂંટણીમાં રાષ્‍ટ્રીય નેતળત્‍વ ઓછો હસ્‍તક્ષેપ કરતું હોય છે, પરંતુ આ વખતે માપદંડ નક્કી કરવામાં અસમંજસ સર્જાતા ઉપરથી સૂચના લેવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ સમાજ આધારિત દબાણ પણ વધ્‍યું છે. અનેક સમાજના આગેવાનો દ્વારા પોતાની માંગ મુજબ ટિકિટ ન અપાય તો પક્ષ છોડવાની ચીમકી આપવામાં આવી રહી છે. જોકે રાજકીય વિશ્‍લેષકો મુજબ આ પ્રકારની ધમકીઓ મોટાભાગે દબાણની રાજનીતિનો ભાગ હોય છે.

ધારાસભ્‍યો અને સાંસદોને ટિકિટ માટે ભલામણ ન કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં તેઓ પોતાના સમર્થકો માટે દબાણ કરી રહ્યા છે, જેના કારણે પાર્લામેન્‍ટરી બોર્ડની કસરત વધુ જટિલ બની ગઈ છે.

ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા આજે સાંજ સુધીમાં ભાજપ તમામ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોની જાહેરાત કરે તેવી શકયતા છે. પક્ષ ‘મોટી સરપ્રાઈઝ' આપવાના મૂડમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે ઘણા દાવેદારોના દિલની ધડકન વધી ગઈ છે

(3:55 PM IST)