News of Friday, 10th April 2026
રાજ્યમાં સેમિકન્ડક્ટર-ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો-EV-રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈનથી પ્રોડક્શન ઈકોસિસ્ટમ સંગીન બનાવતું વધુ એક મહત્વપૂર્ણ કદમ
સાણંદ-ધોલેરામાં નિર્માણ થશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. સંપન્ન:ભારત-ગુજરાત અને તાઈવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગ મજબૂત બનાવીને રૂ. 1000 કરોડથી વધુનું ડાયરેક્ટ FDI અને અંદાજે 12000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.
ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પેટેલના નેતૃત્વમાં તેને વધુ ગતિ આપવા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક એમ.ઓ.યુ. શુક્રવારે કરવામાં આવ્યા હતા.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગૃપના ચેરમેન સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ શ્રીમતી પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા.
આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે.
આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂ. 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
આના પરિણામે સેમિકન્ડક્ટર અને તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે.
આ એમ.ઓ.યુ. સાઈનિંગ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર સુશ્રી નેહા કુમારી અને તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
