<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ગાંધીનગરના કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના ગ્રુપ કેન્દ્ર ખાતે ૯ એપ્રિલ ૧૯૬૫ના ઐતિહાસિક વિજયની યાદમાં ગૌરવભેર 'શૌર્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવી

વર્ષ ૧૯૬૫માં કચ્છના રણમાં પાકિસ્તાની બ્રિગેડના હુમલાને પછાડીને ૩૪ દુશ્મન સૈનિકોને ઠાર કરનાર અને માતૃભૂમિની રક્ષા કાજે બલિદાન આપનાર સાત વીર શહીદોને ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પાંજલિ અર્પણ કરી શપથ લેવાયા

ગાંધીનગર:ગાંધીનગર સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF) ના ગ્રુપ કેન્દ્ર ખાતે ૦૯ એપ્રિલના રોજ અત્યંત ગૌરવપૂર્ણ રીતે 'શૌર્ય દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ CRPF ના ઈતિહાસમાં અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક સમાન છે, કારણ કે ૯ એપ્રિલ ૧૯૬૫ ના રોજ કચ્છના રણમાં ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાના મનસૂબાઓને ધૂળ ચાટતા કર્યા હતા.

૧૯૬૫ના જંગની શૌર્યગાથા:
૯ એપ્રિલ ૧૯૬૫ ના રોજ પાકિસ્તાની સેનાએ પશ્ચિમી ભારતીય પ્રદેશ પર કબ્જો કરવાના ઈરાદે "ઓપરેશન ડેઝર્ટ હોક" શરૂ કર્યું હતું. આ સમયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની બીજી બટાલિયનની બે કંપનીઓ ગુજરાતના કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરદાર અને ટાંક પોસ્ટની સુરક્ષા કરી રહી હતી. વહેલી સવારે અંદાજે ૦૩:૩૦ વાગ્યે પાકિસ્તાની સેનાની એક આખી ઇન્ફન્ટ્રી બ્રિગેડે અચાનક સરદાર પોસ્ટ પર હુમલો કરી દીધો હતો. સંખ્યાબળમાં ઓછા હોવા છતાં CRPF ના બહાદુર જવાનોએ પાછળ હટવાને બદલે દુશ્મનનો ડટકર સામનો કર્યો હતો. સતત ૧૨ કલાક સુધી ચાલેલા આ ભીષણ યુદ્ધમાં ભારતની વીરતા સામે પાકિસ્તાની સેનાને હાર સ્વીકારવી પડી હતી. આ લડાઈમાં ૩૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ૦૪ સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા હતા.

સાત વીર સપૂતોનું સર્વોચ્ચ બલિદાન:
માતૃભૂમિની રક્ષા કરતા કરતા આ હુમલામાં CRPF ના સાત જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. શૌર્ય દિવસ નિમિત્તે આ સાત શહીદોના નામોને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા:
૧. નાયક કિશોર સિંહ
૨. લાન્સ નાયક ગણપત રામ
૩. સિપાહી કિશન સિંહ
૪. સિપાહી હરિ રામ
૫. સિપાહી જ્ઞાન સિંહ
૬. સિપાહી સિદ્ધવીર સિંહ
૭. સિપાહી શમશેર સિંહ
8. 
ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમો:
શહીદોની દેશભક્તિ અને બલિદાનને વંદન કરવા માટે ગાંધીનગર ગ્રુપ કેન્દ્રના પરિસરમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રેન્જ ડીઆઈજી અનુપ કુમાર શર્મા, ગ્રુપ કેન્દ્રના કમાન્ડન્ટ સંજય કુમાર, દ્વિતીય કમાન અધિકારી શ્રીમતી શિલ્પા કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ.પી. નંદનવાર, ડેપ્યુટી કમાન્ડન્ટ (મંત્રાલય) શ્રીમતી કોકેશ નેહાલિયા તેમજ કમ્પોઝિટ હોસ્પિટલના ડો. શૈલેન્દ્ર કુમાર દ્વારા ક્વાર્ટર ગાર્ડ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ ગેઝેટેડ અધિકારીઓ અને જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશની રક્ષા માટે શપથ લીધા હતા.

પરંપરાગત રીતે યોજાયેલા આ મહોત્સવમાં સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન જવાનો વચ્ચે વોલીબોલની રમત અને રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ઉત્સવના અંતે તમામ જવાનો અને અધિકારીઓએ મેસમાં સાથે મળીને 'બડા ખાના' (સામૂહિક ભોજન) લીધું હતું. આ ઉજવણીએ જવાનોમાં નવો જોમ અને દેશભક્તિનો સંચાર કર્યો હતો.

 

(8:41 PM IST)