<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અપક્ષોના કારણે બહુપાંખિયો જંગ

નગરપાલિકા-મહાનગરપાલિકાથી લઇ તાલુકા-જિલ્‍લા પંચાયત સુધી અનેક બેઠકો ઉપર બહુપાંખિયા જંગના અણસાર

અમદાવાદ,તા.૧૧: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીના ફોર્મ ભરવા શનિવારે છેલ્‍લો દિવસ છે ત્‍યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મોટાપાયે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તે નિશ્વિત છે. જો કે મુખ્‍ય પક્ષોમાંથી ટિકિટ ન મળતા નારાજ ઉમેદવારો પણ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં અત્‍યારથી જ ફોર્મ ભરી રહ્યા છે. તો કેટલાક સ્‍થાનિક કાર્યકરો-નેતાઓ જે પાર્ટીમાં ફોર્મ મળે તે માટે તે પક્ષમાં પણ રાતોરાત જોડાઇ રહ્યા છે. તે જોતા નગરપાલિકા-મહાનગરપાલિકાથી લઇ તાલુકા-જિલ્‍લા પંચાયત સુધી અનેક બેઠકો ઉપર બહુપાંખિયા જંગના અણસાર છે. જેના કારણે રાજકીય પક્ષોનું ગણિત ખોરવાઇ જાય તેવા સમીકરણો ગોઠવાઇ રહ્યા છે.

શનિવાર મોડી સાંજ સુધીમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા સાથે ચૂંટણી ચિત્ર વધુ સ્‍પષ્ટ થશે. રાજકીય પક્ષો માટે આ વખતે એક બેઠક ઉપર અનેક ઉમેદવારોની દાવેદારી શિરદર્દ સમાન બની છે. ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકરો દ્વારા શુક્રવારથી જ અપક્ષ તરીકે ફોર્મ ભરવાની કેટલાક સ્‍થળે શરૂઆત થઇ ગઇ છે.

તમામ ટિકિટો જાહેર થઇ ગયા બાદ વધુ બળવાખોરો અપક્ષ તરીકે ફોર્મ ભરે તેવી ભીતિ રાજકીય પક્ષોમાં સેવાઇ રહી છે. તેના કારણે ઉમેદવારોને ફોન કરીને ટિકિટ કન્‍ફર્મ થઇ ગઇ છે અને શનિવારે ફોર્મ ભરવા તૈયારી કરે તેવી સૂચનાઓ પણ અપાઇ રહી છે. આમ આદમી પાર્ટી આ વખતે સ્‍થાનિક ચૂંટણીઓ થકી ગુજરાતના રાજકારણમાં વધુ પગપેસારો કરવા તત્‍પર છે. ભાજપ અને કોંગ્રેસ લગભગ તમામ ૧૦ હજાર બેઠકો ઉપરથી ચૂંટણી લડતા હોય છે તેમ આપના ઉમેદવારો પણ મોટાભાગની બેઠકો ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. તે જોતા ત્રિપાંખિયો જંગ તો નિશ્વિત બન્‍યો છે પરંતુ જે રીતે ટિકિટ નહીં મળવાથી નારાજ ઉમેદવારો પણ ચૂંટણી લડવા ફોર્મ ભરી રહ્યા છે. તેમાં સ્‍થાનિક કક્ષાએ વર્ચસ્‍વ ધરાવતા હોય તેવા ઉમેદવારો પણઅપક્ષ તરીકે ફોર્મ ભરી રહ્યા છે તે જોતા સંખ્‍યાબંધ બેઠકો ઉપર બહુપાંખિયો જંગ જામશે તે નિશ્વિત છે.

એક બેઠક ઉપર અનેક ઉમેદવારો જેવી સ્‍થિતિના કારણે અને જ્ઞાતિ-જાતિના સમીકરણોના કારણે ભાજપ અને કોંગ્રેસના રાજકીય સમીકરણો ફરી જાય તેવી સંભાવના અત્‍યારથી જ દેખાઇ રહી છે. બન્ને પક્ષના ઉમેદવારોના વિજયમાં અવરોધ ઉભા કરે તેવા ઉમેદવારોને સામ, દામ, દંડ કે ભેદથી બેસાડી દેવા અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવા માટે પણ તેમના નેતાઓને દોડધામ કરવી પડે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે

(10:06 AM IST)