<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થતા જ ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલના સંકેત : મે મહિનામાં સનદી અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપાશે

રાજ્યના વહીવટી માળખામાં લાંબા સમયથી એક જ સ્થાને ચીટકી રહેલા અને વધારાનો ચાર્જ સંભાળતા અધિકારીઓની રજા નક્કી : એપ્રિલ અંતમાં અન્ય રાજ્યોમાંથી પરત ફરનારા બે ડઝન જેટલા IAS અધિકારીઓને નવી પોસ્ટિંગ અપાશે

 રાજકોટ:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્ય સરકાર હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવા માટે સજ્જ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી મે મહિનામાં રાજ્યના સચિવાલયથી લઈને જિલ્લા સ્તરના વહીવટી માળખામાં મોટા પાયે બદલીઓ અને નવી નિમણૂકોનો દોર શરૂ થઈ શકે છે. ખાસ કરીને જે જિલ્લાઓ અને વિભાગોમાં અધિકારીઓ લાંબા સમયથી ઇન્ચાર્જ તરીકે વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યાં કાયમી પોસ્ટિંગ આપવાની દિશામાં સરકારે વિચારણા હાથ ધરી છે.

 

 ત્રણથી વધુ ટર્મ પૂર્ણ કરનાર અધિકારીઓની બદલી નિશ્ચિત:

વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે સરકાર એવા અધિકારીઓની યાદી તૈયાર કરી રહી છે જેઓ એક જ સ્થળે ત્રણ કે તેથી વધુ ટર્મથી ફરજ બજાવી રહ્યા છે. નિયમ મુજબ આવા અધિકારીઓની બદલી થવાની પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણીના પરિણામો જો સરકારની અપેક્ષા મુજબના આવશે, તો જિલ્લા વહીવટી તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવનારા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મ્યુનિસિપલ કમિશનર જેવા હોદ્દાઓ પર સરકાર મનપસંદ અને કાર્યક્ષમ અધિકારીઓને પ્રાઇમ પોસ્ટિંગ આપી શકે છે.

 

 એપ્રિલ અંતમાં IAS અધિકારીઓ પરત ફરતા જ પ્રક્રિયા વેગીલી બનશે:

વહીવટી ફેરબદલ પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે હાલમાં ગુજરાત કેડરના અંદાજે બે ડઝન જેટલા IAS અધિકારીઓ અન્ય રાજ્યોમાં ચૂંટણીલક્ષી કામગીરી અને ઓબ્ઝર્વર તરીકે તૈનાત છે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ અધિકારીઓ પોતાની ફરજ પૂર્ણ કરી ગુજરાત પરત ફરશે. આ અધિકારીઓના આગમન બાદ સરકાર મોટા પાયે બ્યુરોક્રેટિક રિશફલ એટલે કે વહીવટી બદલીઓનો ગંજીપો ચીપશે.

 

 જુનિયર અને સિનિયર એમ બંને કેડરમાં ફેરફારની શક્યતા:

આ વખતે માત્ર જુનિયર અધિકારીઓ જ નહીં, પરંતુ સરકારના મહત્વના વિભાગો સંભાળતા સિનિયર અધિકારીઓની પણ બદલી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. લાંબા સમય બાદ થઈ રહેલા આ મોટા ફેરબદલને લઈને સનદી અધિકારીઓમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. હાલમાં અનેક અધિકારીઓ મે મહિનામાં આવનારી નવી નિમણૂકો અને બદલીના ઓર્ડરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફેરબદલ દ્વારા સરકાર આગામી સમયના વહીવટી લક્ષ્યાંકોને પાર પાડવા માટે નવું અને મજબૂત માળખું તૈયાર કરવા માંગે છે.

(10:58 AM IST)