<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગુજરાત પોલીસ એક્શન મોડમાં : કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અપાયા કડક આદેશો

રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા અને એટીએસ એડીજીપી અમિત વિશ્વકર્માને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરી કોમ્બિંગ તેજ કરવા સૂચના

 રાજકોટ:  ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ સતર્ક બન્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રાજ્યના આઈપીએસ અધિકારીઓ અને સમગ્ર પોલીસ કાફલાને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અત્યારથી જ આયોજનબદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

તાજેતરમાં રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરના સુરક્ષા તંત્રની સમીક્ષા કરવામાં આવી હતી અને ચૂંટણી લક્ષી કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ યુનિટોએ પોતપોતાના વિસ્તારમાં અટકાયતી અને પ્રતિબંધાત્મક પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. ખાસ કરીને અસામાજિક તત્વો અને માથાભારે ગુનેગારો પર લગામ કસવા માટે વધુમાં વધુ પાસા (PASA) હેઠળ કેસ નોંધવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

 

આ સમગ્ર સુરક્ષા કામગીરીના સુપરવિઝન અને સંકલન માટે એટીએસ એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને લિસ્ટેડ હિસ્ટ્રીશીટરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પોલીસને તાકીદ કરવામાં આવી છે.

 

ચૂંટણી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવાની સૂચના પણ બેઠકમાં આપવામાં આવી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને દારૂબંધીના કાયદાનો ચુસ્ત અમલ કરાવવા માટે ચેકપોસ્ટ તેમજ સરહદી વિસ્તારોમાં ખાસ વોચ રાખવાનું નક્કી કરાયું છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે આઈપીએસ અધિકારીઓને ફિલ્ડમાં રહીને સતત મોનિટરિંગ કરવા જણાવાયું છે.

(11:50 AM IST)