<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સુરત જિલ્લામાં બારડોલી-વ્યારા નેશનલ હાઈવે 53 પર હાઇવે ક્રોસ કરવા જતા અજાણ્યા વાહનની અડફેટે છ વર્ષીય નર દીપડાનું મોત

પેનલ ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયા બાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરત જિલ્લાના બારડોલી-વ્યારા નેશનલ હાઈવે 53 પર નવી કિકવાડ ગામ નજીક એક છ વર્ષીય નર દીપડાનું અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ માર્ગ પર વન્યજીવોના અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર,સુરત જિલ્લાના બારડોલી-વ્યારા નેશનલ હાઈવે 53 પર  દીપડો નવી કિકવાડ ગામ પાસે હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. સવારે ગામલોકોની અવરજવર શરૂ થતાં હેતલબેન પટેલના ખેતર નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ભટલાવ ગામના રહેવાસી જીગ્નેશભાઈ રાઠોડે આ અંગે 'ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ'ના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ તેન સામાજિક વનીકરણ રેંજના RFO શૈલેષભાઈ પટેલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે દીપડાના મૃતદેહનો કબજો લઈ તેને તેન રેંજ ઓફિસ ખાતે ખસેડ્યો હતો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃત દીપડો આશરે છ વર્ષનો અને શારીરિક રીતે સ્વસ્થ હતો. પેનલ ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયા બાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ ઘટના અંગે 'ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ'ના પ્રમુખ  જણાવ્યું હતું કે, બારડોલીથી બાજીપુરા સુધીના વિસ્તારમાં દીપડાઓની વસ્તી વધુ છે. ખોરાક અને પાણીની શોધમાં તેઓ વારંવાર હાઈવે પર આવી ચઢે છે, જેના કારણે ભૂતકાળમાં પણ આ માર્ગ પર અનેક દીપડાઓ અકસ્માતનો ભોગ બન્યા છે. તેમણે વન્યજીવોના રક્ષણ માટે હાઈવેની આસપાસ સેફ્ટી વોલ બનાવવાની અને વાહનચાલકો માટે સાવચેતીના બોર્ડ લગાવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો, જેથી વાહનોની ગતિ પર નિયંત્રણ રાખી શકાય અને નિર્દોષ વન્યજીવોના જીવ બચાવી શકાય

(12:08 PM IST)