News of Saturday, 11th April 2026
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ ભંગાણ અને શિસ્તના ધજાગરા ઉડ્યા :'પહેલા જાહેરાત અને પછી પ્રક્રિયા' જેવો અજીબોગરીબ ટ્રેન્ડ
સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર અનેક દાવેદારોએ પોતાની જાતે જ ઉમેદવારી જાહેર કરી દેતા સંગઠનની પકડ નબળી પડી

ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ભંગાણ અને શિસ્તભંગની સ્થિતિ સર્જાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. હંમેશા કેડર-બેઝ્ડ હોવાનો દાવો કરતી પાર્ટીમાં આ વખતે સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર અનેક દાવેદારોએ પોતાની જાતે જ ઉમેદવારી જાહેર કરી દેતા સંગઠનની પકડ નબળી પડી હોવાનું જણાય છે. સામાન્ય રીતે પ્રદેશ નિરીક્ષકો અને પાર્લામેન્ટરી બોર્ડની લાંબી પ્રક્રિયા બાદ જ નામ ફાઈનલ થતા હોય છે, પરંતુ ભરૂચમાં 'પહેલા જાહેરાત અને પછી પ્રક્રિયા' જેવો અજીબોગરીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અસંતોષ અને બળવાની ભીતિને પગલે સંગઠને મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવાની ફરજ પડી હતી, જેને પગલે પાયાના કાર્યકરોમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી જન્મી છે.
ભરૂચ નગરપાલિકા છેલ્લા 30 વર્ષ એટલે કે ત્રણ દાયકાથી ભાજપનો અજેય કિલ્લો રહ્યો છે. કુલ 11 વોર્ડની 44 બેઠકો પૈકી ભાજપ પાસે 32 બેઠકોનું મજબૂત સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ 10 અને AIMIM 2 બેઠકો ધરાવે છે. જોકે, આ વખતે સમીકરણો અગાઉ કરતા ઘણા જટિલ છે. ભાજપને માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી અને AIMIM જેવા નવા આક્રમક પક્ષો તેમજ મજબૂત અપક્ષ ઉમેદવારો તરફથી પડકાર મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો ભાજપમાં આ પ્રકારે આંતરિક ખેંચતાણ ચાલુ રહેશે, તો તેનો સીધો ફાયદો વિપક્ષોને મળી શકે છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતી વિસ્તારો અને આદિવાસી પટ્ટામાં મત વિભાજન થવાની શક્યતાને પગલે ભાજપના રણનીતિકારો ચિંતામાં મુકાયા છે.
સંગઠનના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ મેળવવા માટેની આ આંધળી દોડ પાછળ સત્તા વિરોધી લહેરને ખાળવાની મથામણ જવાબદાર છે. મંડળની મંજૂરી વિના જ ઉમેદવારો દ્વારા કરાયેલી સ્વઘોષણાઓ સાબિત કરે છે કે પાર્ટીમાં શિસ્ત હવે માત્ર કાગળ પર રહી ગઈ છે. ભરૂચ જિલ્લામાં લોકસભાથી લઈને વિધાનસભા અને પંચાયતો સુધી ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં, નગરપાલિકાની આ ચૂંટણી સંગઠન માટે એસિડ ટેસ્ટ સમાન સાબિત થશે. વરિષ્ઠ નેતાઓ હવે ડેમેજ કંટ્રોલ માટે સક્રિય થયા છે, પરંતુ અડધી રાત્રે યાદી બહાર પાડવાની રણનીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષની અંદર બધુ સમુંસૂતરું નથી. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના 30 વર્ષના સાશનને ટકાવી રાખવા માટે આ બળવાખોર સૂરને કેવી રીતે શાંત કરે છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
