<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે

બોગસ ખેડૂત કેસમાં ખેડા LCB દ્વારા ધરપકડ બાદ કોર્ટે તેમને બહેરામપુરા બેઠક માટે ફોર્મ ભરવાની મંજૂરી આપી .

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં બહેરામપુરા વિસ્તાર  ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજી જેમની હાલમાં ખેડા એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેઓ આજે પોલીસ જાપ્તામાં ઉમેદવારી ફોર્મ ભરવા આવશે.

 

તસ્લીમ તિરમીજી પર 26 વર્ષ જૂના એક કેસમાં ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે તેમણે ખોટા અને બોગસ પેઢીનામા તૈયાર કરી ખેડૂત ખાતેદાર બન્યા હતા. આ 'બોગસ ખેડૂત' બનવાના મામલે ખેડા એલસીબીએ કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી છે અને હાલ તેઓ રિમાન્ડ હેઠળ છે.

ચૂંટણી લડવા માટે તસ્લીમ તિરમીજીના વકીલોએ કોર્ટમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે મંજૂરી માંગી હતી. કોર્ટે આ વિનંતી ગ્રાહ્ય રાખીને પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવાની મંજૂરી આપી છે. જેને પગલે આજે તેમને નડિયાદથી અમદાવાદ ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ લાવવામાં આવશે. 

તસ્લીમ તિરમીજી બહેરામપુરા વિસ્તારની કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે. ચૂંટણીના ટાણે જ કાયદાકીય ગુંચમાં ફસાયેલા પૂર્વ કોર્પોરેટર માટે આ વખતનો જંગ ઘણો મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. જેલના સળિયા પાછળથી ચૂંટણી લડવા માટેની તેમની આ કાયદાકીય લડત રાજકીય વર્તુળોમાં પણ ભારે કુતૂહલ જગાડી રહી છે.

(2:39 PM IST)