તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
નવસારી પાસે SMCની મોટી કાર્યવાહી : પીઆઈ સી.એચ. પનારાની ટીમે ભારતમાલા હાઈવે પરથી ₹30.75 લાખનો દારૂ ઝડપ્યો : ભરત રાજકુમાર અને અંકિત ભંડારી સહિત 8 શખ્સો વોન્ટેડ : જુઓ વિડીયો
શાહુ ગામ પાસે દરોડો પાડી 11,810 બોટલ વિદેશી દારૂ અને 4 લક્ઝરી કાર મળી કુલ ₹65.75 લાખનો મુદ્દામાલ જપ્ત : દમણના અશ્વિન બડુ અને વલસાડના સપ્લાયરો વિરુદ્ધ ગુનો નોંધાયો

નવસારી: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા ભારતમાલા નેશનલ હાઈવે નંબર-4 પર એસએમસીના પીઆઈ સી.એચ. પનારા અને તેમની ટીમે બાતમીના આધારે સફળ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં શાહુ ગામ પાસેથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો અને લક્ઝરી વાહનો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.
એસએમસીની ટીમે નેશનલ હાઈવે પર ફિલ્ડિંગ ગોઠવી શંકાસ્પદ વાહનોને અટકાવતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની નાની-મોટી કુલ 11,810 બોટલો મળી આવી હતી. બજાર કિંમત મુજબ આ દારૂના જથ્થાની કિંમત ₹30,75,500 જેટલી થવા જાય છે. આ જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ચાર કિંમતી ગાડીઓ, જેમાં એક્સયુવી-500 અને ત્રણ હ્યુન્ડાઈ ક્રેટા કારનો સમાવેશ થાય છે, તે પણ પોલીસે કબજે કરી છે. વાહનોની અંદાજિત કિંમત ₹35,00,000 ગણવામાં આવી છે. આમ, દારૂ અને વાહનો મળી કુલ ₹65,75,500નો મુદ્દામાલ જપ્ત કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે દારૂની સપ્લાય કરનાર અને મેળવનાર સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓમાં વલસાડના ઉદવાડાના રહેવાસી અને દારૂ સપ્લાયર ભરત રાજકુમાર, પારડીના ખડકી ગામનો અંકિત ભંડારી તેમજ દમણ ભીમપોરનો અશ્વિન બડુ મુખ્ય છે. આ ઉપરાંત ચારેય કારના ચાલકો અને દારૂનો જથ્થો મંગાવનાર અજ્ઞાત શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે મોંઘીદાટ ગાડીઓ અને નવા બનેલા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા હતા. હાલ સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
