<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સુરતના મોટા વરાછામાં માસૂમનું પાણીની ટાંકીમાં ડૂબવાથી કરુણ મોત: રમતા-રમતા કાળ ભેટી ગયો : વ્હાલસોયા પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું

ઘર આંગણે રમી રહેલો અંકિત નજરે ન પડતા પરિવારજનો ચિંતિત બનતા શોધખોળ શરૂ કરતા આશરે દોઢ કલાકની ભારે જહેમત અને તપાસ બાદ અંકિત નિર્માણાધિન મકાનની પાણી ભરેલી ટાંકીમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો'તો

સુરત તા.૧૧ :   શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. ઘર પાસે રમી રહેલો ત્રણ વર્ષનો માસૂમ બાળક નિર્માણાધિન મકાનની ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. વ્હાલસોયા પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

3 વર્ષનો માસૂમ ટાંકીમાં પડી ગયો

 

મળતી વિગતો અનુસાર, મૂળ નેપાળના વતની અજયસિંગ હાલ મોટા વરાછાની ગોપિન વિલામાં પરિવાર સાથે રહે છે. હીરાના કારખાનામાં કામ કરી પત્ની તથા બે પુત્રોનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સવારે તેમનો 3 વર્ષનો પુત્ર અંકિતસિંગ ઘરની બહાર એકલો રમી રહ્યો હતો. રમતી વખતે તે ઘર સામે બની રહેલા નવા મકાનના અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો હતો.

પરિવારે બાળકની શોધખોળ કરી

 

ઘર આંગણે રમી રહેલો અંકિત નજરે ન પડતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમજ તેની શોધખોળ શરૂ કરી હતી. આશરે દોઢ કલાકની ભારે જહેમત અને તપાસ બાદ, અંકિત નિર્માણાધિન મકાનની પાણી ભરેલી ટાંકીમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

તબીબે બાળકને મૃત જાહેર કર્યો

 

પરિવાર તાત્કાલિક માસૂમને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો વ્હાલસોયાં પુત્રને અકાળે ગુમાવતાં શોકમગ્ન બન્યા હતા.

(5:03 PM IST)