તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
વડોદરામાં રખડતા ઢોરના માલિકો પર VMCનો 'હથોડો': જાહેર માર્ગો પર પશુ છોડનારા અને ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીની તોપ ફોડાઈ
પશુપાલકોની લુખ્ખાગીરી પર લગામ: ગાયો રસ્તે રઝળતી મુકશો તો ખિસ્સા ખાલી થશે:વડોદરા કોર્પોરેશને દંડનો સપાટો બોલાવ્યો:શું ગંદકી અને ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે મુક્તિ? પાલિકાની કડક કાર્યવાહીથી પશુમાલિકોમાં ફફડાટ:કડક દંડ છતાં શું પશુઓ ડબ્બે પુરાશે?

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માર્ગો પર પશુઓના કારણે સર્જાતી સમસ્યાઓ સામે વડોદરા મહાનગરપાલિકાએ હવે આકરું વલણ અપનાવ્યું છે. પાલિકાના તંત્ર દ્વારા જાહેર માર્ગો પર પશુઓને રઝળતા છોડનારા અને તેના કારણે થતી ગંદકી બાબતે જવાબદાર પશુમાલિકો સામે દંડાત્મક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અનેક વિસ્તારોમાં ટીમો મોકલીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને નિયમ ભંગ કરનારા માલિકો પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવ્યો છે. રસ્તા પર ગાયો અને અન્ય પશુઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે પાલિકાની આ ઝુંબેશથી લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે.
ગઈકાલે વોર્ડ નંબર 09 અંતર્ગત આવતા પાર્વતી નગર, સેવાસી કેનાલ પાસે રહેતા એક પશુ માલિક દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરવામાં આવી હોવાના કારણે તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો છે. વોર્ડ નંબર 16ના ગાજરાવાડી વિસ્તારમાં એક પશુ માલિક દ્વારા પશુઓને જાહેર માર્ગ પર છોડવામાં આવ્યા હોવાથી સંબંધિત માલિકને નોટિસ ફટકારવામાં આવી છે.
અમી રેસિડેન્સીથી કપુરાઈ પોલીસ સ્ટેશન રોડ પર આવેલ ડિવાઈડર પરથી છાણાં સહિત સૂકો કચરો સાફ કરાવી, છાણાં કબ્જે લેવામાં આવ્યા છે. વહીવટી વોર્ડ નંબર 15 દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્થાનિક પશુ માલિકો પાસેથી વહીવટી ચાર્જ (દંડ) પણ વસૂલ કરવામાં આવ્યો છે. કેટલ પાર્ટીની ટીમ દ્વારા આ અભિયાન દરમિયાન કુલ 12 પશુ પકડવાની કામગીરી કરવામાં આવી છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
