<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ગીર સોમનાથમાં પોલીસનું ‘ઓપરેશન ક્લીન’: બાવળની ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી કોડીનાર પોલીસ, હજારોનો મુદ્દામાલ જપ્ત!

પણાંદર ગામના નાળામાં ચાલતા દારૂના કાળા કારોબારનો પર્દાફાશ: 1840 લીટર આથો અને ગેસ સિલિન્ડરો સાથે એક બૂટલેગર જેલના સળિયા પાછળ

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસે કમર કસી છે. કોડીનાર પોલીસની ટીમે એક ગુપ્ત બાતમીના આધારે પણાંદર ગામના સીમ વિસ્તારમાં આવેલા ‘ચોવીસ નાળા’ પાસે ફિલ્મી ઢબે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાનું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. બાવળની ગીચ ઝાડીઓમાં છુપાવીને ચલાવવામાં આવતી આ ભઠ્ઠી પર પોલીસ ત્રાટકતા જ બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
બાવળની આડમાં ચાલતું હતું ‘ઝેર’ બનાવવાનું કારખાનું
જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જ્યારે કોડીનાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે પણાંદર ગામની સીમમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસ કાફલાએ તુરંત જ બાતમીવાળી જગ્યાએ ઘેરો ઘાલ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને બાવળની ઝાડીઓમાંથી દેશી દારૂ બનાવવાનો 1840 લીટર કાચો આથો ભરેલા 92 કેન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ ગાળવા માટે વપરાતા લોખંડના બેરલ, એલ્યુમિનિયમના મોટા વાસણો અને 8 નંગ ગેસ સિલિન્ડર સહિત કુલ રૂપિયા 56,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કૌશિક વાળા નામના શખ્સની ધરપકડ
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પણાંદર ગામના રહેવાસી કૌશિક વાળા નામના ઈસમને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે જિલ્લામાં શાંતિ જળવાઈ રહે અને નશાખોરી પર અંકુશ આવે તે હેતુથી પોલીસની આ મોટી સફળતા માનવામાં આવે છે.
પોલીસની કડક ચેતવણી
ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી અને કોડીનાર પી.આઈ. એન.વી. હરિયાણીની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્થાનિક બૂટલેગરોમાં રીતસરનો ફાળ પડી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનારાઓને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવા દરોડા ચાલુ રહેશે. પકડાયેલા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(6:28 PM IST)