તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
સુરત AAPમાં ભૂકંપ: પ્રવક્તા કાળુ વઘાસીયા સામે દુષ્કર્મની ગંભીર ફરિયાદ, "હું રાજકીય માણસ છું, તારું કંઈ નહીં થાય" કહી મહિલાને આપી ધમકી!
ચૂંટણી પહેલા જ સુરતનું રાજકારણ ગરમાયું: ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ, લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

સુરત : ડાયમંડ સિટી સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના જાણીતા પ્રવક્તા કાળુ વઘાસીયા સામે એક પરિણીત મહિલાએ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ લસકાણા પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઘટનાને પગલે સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ફેસબુકની મિત્રતા બની 'શારીરિક શોષણ'ની જાળ
પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ સિલસિલો આજથી આશરે દોઢેક વર્ષ પહેલા શરૂ થયો હતો. કાળુ વઘાસીયાએ ફેસબુક મારફતે મહિલાનો સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ લગ્નની ખોટી લાલચો આપીને મહિલાને અવારનવાર હોટલોમાં અને ઘરે લઈ જઈને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2024 થી આ શોષણની પ્રક્રિયા વધુ વેગીલી બની હોવાનું પીડિતાએ જણાવ્યું છે.
રાજકીય વગનો રૂઆબ અને ધમકીઓ
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે પીડિતાએ કાળુ વઘાસીયા પર લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ મહિલાને ગંદી ગાળો આપી ધમકાવતા કહ્યું હતું કે, "હું રાજકીય માણસ છું, તારાથી મારું કંઈ જ બગડવાનું નથી." એટલું જ નહીં, આરોપીએ એવી પણ ધમકી આપી હતી કે જો તે પોલીસ પાસે જશે તો તેને અને તેના દીકરાને જીવવું ભારે કરી નાખશે.
ન્યાયની માંગ અને પોલીસ કાર્યવાહી
આરોપી કાળુ વઘાસીયાએ પીડિતાને ડરાવવા માટે અન્ય કિસ્સાઓનો હવાલો આપીને જીવનું જોખમ હોવાની ધમકી પણ આપી હતી. જોકે, હિંમત હાર્યા વગર પીડિતાએ લસકાણા પોલીસનો સંપર્ક સાધ્યો છે. પોલીસે આ મામલે દુષ્કર્મ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી ટાણે જ પક્ષના મુખ્ય ચહેરા સામે આવા ગંભીર આક્ષેપો થતા આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે, જ્યારે પીડિતાએ પ્રશાસન પાસે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી આજીજી કરી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
