News of Saturday, 11th April 2026
ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓમાં આવતીકાલે ભાજપાના ‘જનસેવા સંકલ્પ’ સાથે ચુંટણી પ્રચારના કરશે શ્રીગણેશ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટથી ગજવશે વિજય શંખનાદ
રાજ્યભરની નગરપાલિકા અને પંચાયતોની ચુંટણીના જંગમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ હવે ભાજપાના તમામ ઉમેદવારો એકસાથે જનસેવાના શપથ લેશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર વડોદરામાં રહીને કાર્યકરોમાં ફૂંકશે નવો પ્રાણ

ગાંધીનગર:ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત, ૮૪ નગરપાલિકા અને ૨૬૦ તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થતાની સાથે જ પક્ષ દ્વારા આક્રમક પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આવતીકાલે ૧૨ એપ્રિલ, રવિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે રાજ્યની તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાશે, જેના માધ્યમથી ભાજપાના ઉમેદવારો વિધિવત રીતે પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.
અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં દિગ્ગજોની ઉપસ્થિતિ:
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના કાંકરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પાસે ઉપસ્થિત રહી સંકલ્પ લેવડાવશે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન પાસે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે કીર્તિ મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધારશે.
રાજ્યના અન્ય મહાનગરોમાં નેતાઓની ફોજ:
ભાજપાના મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, સુરતના કારગીલ ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે સાંસદ પરષોત્તમ રૂપાલા અને ભાવનગરના પંડિત દિનદયાળ ભવન ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ હાજર રહેશે. વાપીમાં ગણપત વસાવા, નવસારીમાં કનુભાઈ દેસાઈ અને મહેસાણાના તોરણવાળી માતાના ચોક ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં જનસેવા સંકલ્પ લેવાશે.
સંગઠન અને પૂર્વ મંત્રીઓ મેદાને:
ગાંધીધામમાં પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવે, આણંદના બેઠક મંદિર ખાતે ગોરધન ઝડફીયા અને નડિયાદમાં સરદાર પટેલના જન્મસ્થળ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. પોરબંદરના સુદામા ચોક ખાતે રમેશ ધડુક, મોરબીમાં આઇ.કે. જાડેજા અને સુરેન્દ્રનગરના વઢવાણ હવા મહેલ ખાતે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે. આ તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં ભાજપાના ઉમેદવારો જનતાની સેવા કરવાનો સામૂહિક સંકલ્પ લઈ પ્રચારના મેદાનમાં ઉતરશે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
