<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

કન્હૈયા કુમારના ‘ગુજરાત’ કાર્ડથી રાજકીય વંટોળ: અમિત શાહ પર નિશાન સાધતા બોલ્યા- "સૌથી મોટો ઘૂસણખોર ગુજરાતમાંથી આવ્યો છે", ભાજપ લાલચોળ!

ગુજરાતીઓના ગૌરવ પર ફરી પ્રહાર? આસામમાં ઘૂસણખોરીના મુદ્દે કન્હૈયા કુમારની વિવાદાસ્પદ ટિપ્પણીથી ખળભળાટ, ખડગેના ‘અભણ’ નિવેદન બાદ હવે નવો વિવાદ છેડાયો

નવી દિલ્હી: દેશના રાજકારણમાં ‘ફાયરબ્રાન્ડ’ નેતા તરીકે જાણીતા કોંગ્રેસના કન્હૈયા કુમારે ફરી એકવાર પોતાના નિવેદનથી મધપૂડો છંછેડ્યો છે. આસામમાં એક જાહેર મંચ પરથી બોલતા કન્હૈયા કુમારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ આ પ્રહારોમાં તેમણે ‘ગુજરાત’ અને ‘ઘૂસણખોર’ શબ્દોનો જે રીતે પ્રયોગ કર્યો, તેને લઈને હવે ભાજપે મોર્ચો માંડ્યો છે. આ નિવેદનને કારણે ગુજરાત અને આસામ બંને રાજ્યોમાં રાજકીય પારો ગરમાયો છે.
અમિત શાહના નિવેદન પર પલટવાર
તાજેતરમાં 9 એપ્રિલે આસામના બારાક વેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગર્જના કરી હતી કે ભાજપ સરકારે ઘૂસણખોરોને ઓળખી લીધા છે અને તેમને દેશની બહાર મોકલવાનો સમય પાકી ગયો છે. આ નિવેદનના જવાબમાં કન્હૈયા કુમારે કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે મને મીડિયાએ ઘૂસણખોરી વિશે પૂછ્યું, ત્યારે મેં કહ્યું કે સૌથી મોટો ઘૂસણખોર તો ગુજરાતમાંથી આવ્યો છે.” કન્હૈયાએ વધુમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્મા અને અમિત શાહ તરફ ઈશારો કરતા કહ્યું કે તેમને હટાવવાની જરૂર છે.
ગુજરાત ફરી ટાર્ગેટ પર?
રાજકીય વિશ્લેષકો આ નિવેદનને ગંભીરતાથી જોઈ રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહીને વિવાદ ઊભો કર્યો હતો, જેની માફી તેમણે માંગી પડી હતી. હવે ફરી એકવાર કન્હૈયા કુમારે ગુજરાત સાથે ‘ઘૂસણખોર’ શબ્દ જોડીને ભાજપને મોટું હથિયાર આપી દીધું છે. ભાજપના નેતાઓ આ નિવેદનને ગુજરાતના અપમાન તરીકે ખપાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર કન્હૈયા કુમાર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં વાકયુદ્ધ તેજ બનશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને દેશના વર્તમાન રાજકીય માહોલ વચ્ચે કન્હૈયાનું આ નિવેદન કોંગ્રેસ માટે ‘બેકફાયર’ થઈ શકે છે તેવી પણ ચર્ચાઓ છે. એક તરફ ભાજપ રાષ્ટ્રીય સુરક્ષા અને હિન્દુત્વના મુદ્દે ઘૂસણખોરીને જોડી રહ્યું છે, ત્યારે કન્હૈયાએ આ મુદ્દાને પ્રાદેશિક ગૌરવ સાથે જોડીને નવો વળાંક આપ્યો છે. આસામ અને ગુજરાતમાં આગામી દિવસોમાં આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી જશે તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ નિવેદન પર શું સ્પષ્ટતા કરે છે!

(7:14 PM IST)