<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

આણંદમાં પોલીસની ‘મિડનાઈટ સર્જિકલ સ્ટ્રાઈક’: આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર ત્રાટકી પોલીસ, 3 લલનાઓ સહિત 15 નબીરાઓ ઝડપાયા!

મ્યુઝિકના તાલે જામી હતી જામલગ્નની મહેફિલ: બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસને ચારે બાજુથી ઘેરીને પાડ્યો દરોડો, લાખોનો મુદ્દામાલ જપ્ત થતા નબીરાઓમાં ફફડાટ

આણંદ: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે આણંદ જિલ્લામાં પોલીસની એક મોટી કાર્યવાહી સામે આવી છે. આંકલાવ પોલીસ મથકની હદમાં આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં મોડી રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે અચાનક ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં શહેરના અનેક નબીરાઓ અને યુવતીઓ નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
બાતમી મળી અને પોલીસ એક્શનમાં આવી
આંકલાવ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ખાનગી ફાર્મ હાઉસમાં કેટલાક ધનિક ઘરના યુવાનો અને યુવતીઓ ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમી મળતા જ પોલીસે મોડી રાત્રે આયોજનબદ્ધ રીતે ફાર્મ હાઉસ પર ઘેરો ઘાલ્યો હતો. પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે ત્યાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે જોરશોરથી મ્યુઝિક પાર્ટી ચાલી રહી હતી. પોલીસને જોઈને નશામાં ધૂત નબીરાઓના હોશ ઉડી ગયા હતા.
18 લોકોની અટકાયત અને લાખોનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી કુલ 18 લોકોની અટકાયત કરી છે, જેમાં 15 પુરૂષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા લોકોમાં ફાર્મ હાઉસનો માલિક પણ સામેલ છે. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂનો જથ્થો, બિયર અને મોંઘીદાટ ગાડીઓ સહિત અંદાજે 3.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લઈને ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ફાર્મ હાઉસ પર પોલીસની બાજ નજર
આણંદ પોલીસની આ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફાર્મ હાઉસમાં આવી મહેફિલો અવારનવાર યોજાતી હોવાની આશંકા છે, જેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ ફાર્મ હાઉસ કે ખાનગી મિલકત પર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવા દરોડા ચાલુ રહેશે. આ કાર્યવાહીને પગલે જિલ્લાના દારૂના શોખીનો અને મહેફિલબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(7:15 PM IST)