તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
કામરેજ કોંગ્રેસમાં ‘મેન્ડેટ’ યુદ્ધ: ચૂંટણી પહેલા જ પક્ષમાં મોટું ગાબડું, 24 ઉમેદવારોએ સામૂહિક રીતે ફોર્મ ખેંચવાની ચીમકી આપતા ખળભળાટ!
જિલ્લા પ્રમુખ સામે કાર્યકરોનો હલ્લાબોલ: "વફાદારોની અવગણના કેમ?" ના નારા સાથે સુરત કોંગ્રેસમાં ભડકો, મહિલા પાંખમાં પણ ભારે અસંતોષથી ડેમેજ કંટ્રોલ કરવું હાઈકમાન્ડ માટે મુશ્કેલ

સુરત (કામરેજ): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં ઉતરતા પહેલા જ સુરત જિલ્લાના કામરેજમાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. ટિકિટ વિતરણ અને અધિકૃત મેન્ડેટ ફાળવવામાં થયેલી કથિત વિસંગતતાઓને પગલે કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે કોંગ્રેસના જ સનિષ્ઠ કાર્યકરો હવે પોતાના નેતૃત્વ સામે મેદાનમાં ઉતરી આવ્યા છે, જેને કારણે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂપડા સાફ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
અંતિમ ઘડીએ મેન્ડેટ ન મળતા કાર્યકરોનો પિત્તો ગયો
કામરેજ તાલુકાની 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે હાઈડ્રામા સર્જાયો હતો. અનેક ઉમેદવારો પોતાના મેન્ડેટની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી મિનિટ સુધી મેન્ડેટ ન મળતા 24 જેટલા ઉમેદવારો અને તેમના સમર્થકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી 'હાઈ હાઈ' ના નારા લગાવ્યા હતા અને નેતૃત્વ પર પક્ષના વફાદારોની અવગણના કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો.
સામૂહિક ફોર્મ પાછા ખેંચવાની ગંભીર ચીમકી
કામરેજ તાલુકા સંગઠનના હોદ્દેદારો અને નારાજ ઉમેદવારોએ પક્ષને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આગામી 15 તારીખ સુધીમાં આ અન્યાયનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો તમામ 24 ઉમેદવારો એકસાથે પોતાના ફોર્મ પાછા ખેંચી લેશે. જો આવું થશે તો કામરેજની બેઠકો પર કોંગ્રેસ પાસે લડવા માટે કોઈ ઉમેદવાર નહીં રહે અને ભાજપ માટે રસ્તો સાવ મોકળો થઈ જશે. આ સ્થિતિએ કોંગ્રેસ હાઈકમાન્ડની ઉંઘ ઉડાડી દીધી છે.
મહિલા પાંખમાં પણ બળવો
વિવાદ માત્ર પુરુષ કાર્યકરો પૂરતો સીમિત નથી, પરંતુ મહિલા સંગઠનમાં પણ ભડકો જોવા મળ્યો છે. એક મહિલા ઉમેદવારે જિલ્લા મહિલા સંગઠન પ્રમુખ નીતુ સિંહ રાજપૂત સામે મોરચો માંડીને સંગઠનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંગઠનમાં રહેલી આ યાદવાસ્થળીના કારણે સામાન્ય મતદારોમાં પણ નકારાત્મક સંદેશ જઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું કોંગ્રેસનું મોવડી મંડળ આ 'ડેમેજ'ને સમયસર રોકી શકશે કે પછી કામરેજમાં કોંગ્રેસનો ગઢ ધરાશાયી થશે!
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
