<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધના માહોલમાં ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા: પરિવારમાં ખુશી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની સક્રિયતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સફળ સંકલનને પરિણામે આ માછીમારોને 'મોતના મુખમાંથી' હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધના માહોલમાં ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની સક્રિયતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સફળ સંકલનને પરિણામે આ માછીમારોને 'મોતના મુખમાંથી' હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે. માદરે વતન પહોંચતા જ માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમના પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો રોજગારીની શોધમાં ઈરાન ખાતે માછીમારીના વ્યવસાય અર્થે ગયા હતા. જોકે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે અચાનક યુદ્ધ ફાટી નીકળતા આ માછીમારો ત્યાં જ ફસાઈ ગયા હતા. વિદેશી ધરતી પર યુદ્ધની સ્થિતિ વચ્ચે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા માછીમારોના સમાચાર મળતા જ ગુજરાતમાં રહેતા તેમના પરિવારો ભારે ચિંતામાં મુકાયા હતા.

જ્યારે માછીમારોના પરિવારોએ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે તેમણે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી. સાંસદએ જરા પણ વિલંબ કર્યા વગર વ્યક્તિગત રસ લઈને તાત્કાલિક દિલ્હી અને ગાંધીનગર સ્તરે રજૂઆતો શરૂ કરી હતી. તેમણે માછીમારોની સુરક્ષા માટે દિવસ-રાત જોયા વગર સતત ફોલોઅપ લીધું હતું, જે આ ઓપરેશનમાં સૌથી મહત્વનું પાસું સાબિત થયું.

સાંસદ ધવલ પટેલે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સંપર્ક જાળવ્યો હતો. ભારત સરકારના વિદેશ મંત્રાલયે રાજદ્વારી સ્તરે ઈરાન સરકાર સાથે વાતચીત કરીને માછીમારોની સુરક્ષિત વાપસીનો માર્ગ મોકળો કર્યો હતો. ડબલ એન્જિન સરકારની આ ત્વરિત કામગીરીએ સાબિત કરી દીધું કે વિદેશમાં વસતો દરેક ભારતીય સરકાર માટે પ્રાથમિકતા છે.

આજે જ્યારે માછીમારો પોતાના ઘરે પરત ફર્યા છે ત્યારે દ્રશ્યો અત્યંત ભાવુક હતા. માછીમારોએ જણાવ્યું કે યુદ્ધના માહોલમાં તેમણે જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ભારત સરકારની મદદથી તેઓ આજે સુરક્ષિત છે. પીડિત પરિવારોએ વડાપ્રધાન મોદી અને સાંસદ ધવલ પટેલનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે, "સરકારે પિતાતુલ્ય ચિંતા કરીને અમારા સ્વજનોને મોતના મુખમાંથી બચાવ્યા છે."

(5:21 PM IST)