<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વડોદરાની નંદેસરી GIDCમાં પોલીસની મોટી કાર્યવાહી: ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ડમ્પિંગ ઝડપ્યું

ખુલ્લામાં ઝેરી કેમિકલ ઠાલવતા 2 ટેન્કરો જપ્ત કરી GPCBને જાણ કરાઈ :સ્થાનિક ગેંગની સાથે મોટા ઉદ્યોગપતિઓની સંડોવણી હોવાની આશંકાએ તપાસ તેજ

વડોદરાના ઔદ્યોગિક હબ ગણાતા નંદેસરીના GIDC વિસ્તારમાં  પોલીસ અને GPCBની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે.  ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ઠલવાતાં તત્વો સામે કાર્યવાહી કરી છે.  પોલીસે બે ટેન્કર ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નંદેસરી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સ્થાનિક ગેંગ રાત્રિના અંધકારનો લાભ લઈને ફેક્ટરીઓનો જોખમી કેમિકલ વેસ્ટ ખુલ્લા મેદાનો અને અવાવરુ જગ્યાએ ઠાલવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગત મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું.

નંદેસરી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો ત્યારે સ્થળ પર ગેરકાયદેસર રીતે કેમિકલ ડમ્પિંગનું કામ ચાલી રહ્યું હતુ. પોલીસને જોઈને કૌભાંડીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઝેરી કેમિકલ ખાલી કરી રહેલા બે મોટા ટેન્કરોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ટેન્કરો દ્વારા ખુલ્લામાં જે પ્રવાહી ઠાલવવામાં આવી રહ્યું હતું તે અત્યંત તીવ્ર અને પર્યાવરણ માટે નુકસાનકારક હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા નંદેસરી પોલીસે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના અધિકારીઓને જાણ કરી હતી. GPCB ની ટીમ પણ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઠાલવવામાં આવેલા કેમિકલના નમૂના લીધા હતા. આ કેમિકલ કેટલું ઝેરી છે અને તેનાથી જમીન કે ભૂગર્ભ જળને કેટલું નુકસાન થઈ શકે છે તેની તપાસ લેબોરેટરી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ સંયુક્ત કામગીરીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માત્ર કોઈ સામાન્ય ગુનો નથી પરંતુ એક સુનિયોજિત કૌભાંડ છે. પકડાયેલા ટેન્કરો કઈ કંપનીના છે અને આ કેમિકલ કયા ઉદ્યોગમાંથી લાવવામાં આવ્યું હતું તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એવી પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે કે નંદેસરી GIDCના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પોતાના ખર્ચ બચાવવા માટે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી આ સ્થાનિક ગેંગ દ્વારા કચરો ઠાલવતા હતા. આગામી દિવસોમાં આ મામલે મોટા નામો ખુલે તેવી શક્યતા છે.

(6:03 PM IST)