News of Sunday, 12th April 2026
ઉમરગામ GIDC વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભુકતા ભારે અફરાતફરી
સોમનાથ ઓર્થોકેર નામની કંપનીમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમનાથ ઓર્થોકેર નામની કંપનીમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આગ ઉમરગામ GIDCની સોમનાથ ઓર્થોકેર કંપનીના કમ્પાઉન્ડમાં લાગી હતી. કંપનીના કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવામાં આવ્યો હતો,
આગને કારણે કેમિકલ યુક્ત અને પ્લાસ્ટિકના કાળા ધુમાડાના વાદળો આકાશમાં છવાઈ ગયા હતા. ધુમાડાના ગોટેગોટાને કારણે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગૂંગળામણ અને દ્રશ્યતા ઓછી થવાને કારણે જીઆઈડીસીના રસ્તાઓ પર ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક મોરચો સંભાળીને આગને અન્ય મશીનરી કે મુખ્ય બિલ્ડિંગ સુધી પહોંચતા અટકાવી હતી.
આ ભયાનક આગની ઘટનામાં રાહતની વાત એ રહી કે કોઈ પણ કામદાર કે વ્યક્તિને ઇજા કે જાનહાનિ થઈ નથી. સમયસૂચકતા વાપરીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર, તે હજુ સુધી જાણી શકાયું નથી. કંપની સત્તાધીશો અને તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ ઉમરગામ અને આસપાસના ફાયર સ્ટેશનોમાંથી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના કલાકોમાં આગને કાબૂમાં લીધી હતી. હાલમાં કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે જેથી ફરીથી આગ ફાટી ન નીકળે. GIDC વિસ્તારમાં વારંવાર બનતી આગની આવી ઘટનાઓ સુરક્ષાના માપદંડો સામે પણ સવાલો ઊભા કરી રહી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
