<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

નડિયાદમાં સરદાર પટેલના જન્મસ્થળેથી ભાજપ દ્વારા 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ :ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ૫૨ ઉમેદવારોને શપથ લેવડાવ્યા:તેમણે કડીમાં ભાજપના 40 વર્ષના શાસન અને ૨૨ બેઠકો બિનહરીફ થવાનો ઉલ્લેખ કરી, નડિયાદમાં પણ તમામ બેઠકો પર જંગી વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

નડિયાદમાં આગામી નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે ભાજપ (BJP) પાર્ટી દ્વારા 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે તેની શરૂઆત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઈને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.

ચૂંટણીના મેદાનમાં ઉતરનારા નડિયાદ નગરપાલિકાના તમામ 52 ઉમેદવારોએ આ પવિત્ર સ્થળે એકત્રિત થઈને જનસેવાની નેમ લીધી હતી. નીતિનભાઈ પટેલે તમામ ઉમેદવારોને પક્ષની વિચારધારા અને લોક કલ્યાણના કાર્યોને વરેલા રહેવા માટે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું.

નીતિનભાઈ પટેલે પોતાના સંબોધનમાં આશાવાદ વ્યક્ત કર્યો હતો કે નડિયાદની તમામ ૫૨ બેઠકો પર ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે. તેમણે જણાવ્યું કે જનતાનો વિશ્વાસ ભાજપ સાથે છે અને સંગઠનની તાકાતથી આ વિજય નિશ્ચિત છે. જે રીતે કડી નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, તેવી જ રીતે નડિયાદમાં પણ ભાજપનું કમળ ખીલશે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા મહત્વની છે અને ભાજપ હંમેશા વિકાસના મુદ્દા પર ચૂંટણી લડે છે.

નીતિનભાઈએ કડી નગરપાલિકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ત્યાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. આ વખતે પણ કડીમાં 36 માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જે પક્ષની લોકપ્રિયતા દર્શાવે છે. નડિયાદમાં પણ જો કોઈ આંતરિક વિખવાદ કે અપક્ષ ઉમેદવારી હશે, તો તેમને સમજાવટથી મનાવી લેવામાં આવશે અને પક્ષના હિતમાં કાર્ય કરવા પ્રેરાશે. ત્યારે કડીની જ પેર્ટન નડિયાદમાં અપનાવે તો ભાજપને મોટો ફાયદો થઈ શકે છે.

(8:07 PM IST)