News of Sunday, 12th April 2026
બીલીમોરાના વિકાસને મળશે વેગ : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરોડોના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા
સી. આર. પાટીલના હસ્તે બીલીમોરા નગરપાલિકાને સુપર સકર મશીન, ફાયર બ્રાઉઝર, ડી-સિલ્ટિંગ મશીન અને જેટીંગ મશીન અર્પણ કરવામાં આવ્યા

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આજે વિકાસની નવી ક્ષિતિજો અંકિત થઈ છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના વરદ હસ્તે કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી, જે બીલીમોરાના શહેરી માળખાને વધુ આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
બીલીમોરા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે અનેક લોકપયોગી સુવિધાઓ જનતાને અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક જયુબિલી તળાવ રહ્યું હતું. અંદાજે 5.42 કરોડ રૂપિયાના ખર્ચે આ તળાવનું નવનીકરણ અને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જે હવે સ્થાનિકો માટે એક સુંદર પિકનિક સ્પોટ અને હરવા-ફરવાના સ્થળ તરીકે ઉભરી આવશે. તળાવના નવીનીકરણથી શહેરની સુંદરતામાં તો વધારો થશે જ, સાથે સાથે જળ સંચય અને પર્યાવરણની જાળવણીમાં પણ મોટી મદદ મળશે. આ પ્રોજેક્ટ પાછળનો હેતુ શહેરના જૂના વારસાને આધુનિક સ્પર્શ આપીને નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી પૂરી પાડવાનો છે.
તળાવના લોકાર્પણ ઉપરાંત, શહેરની સ્વચ્છતા અને સલામતી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પાલિકાને આધુનિક મશીનરીની ભેટ આપવામાં આવી હતી. સી. આર. પાટીલના હસ્તે બીલીમોરા નગરપાલિકાને સુપર સકર મશીન, ફાયર બ્રાઉઝર, ડી-સિલ્ટિંગ મશીન અને જેટીંગ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાધનોના આગમનથી ગટર વ્યવસ્થાની સફાઈ, ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલ અને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પાલિકાની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થશે. ખાસ કરીને જેટીંગ અને સુપર સકર મશીન શહેરની ભૂગર્ભ ગટર લાઈનોની જાળવણીમાં અત્યંત અસરકારક સાબિત થશે.
વિકાસની આ ગાડી લોકાર્પણ સુધી જ મર્યાદિત ન રહેતા, ભવિષ્યના આયોજનો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરની લાંબા સમયની સમસ્યા સમાન ડમ્પીંગ સાઈટના નિકાલ માટે 12.50 કરોડ રૂપિયાના ખર્ચે થનારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી કચરાના વ્યવસ્થાપનની વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં આવશે, જેનાથી આસપાસના રહીશોને પ્રદૂષણથી મુક્તિ મળશે. આ સાથે જ શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોને રિપેર કરવા અને નવા રસ્તા બનાવવાના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી નરેશ પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમે બીલીમોરાને આધુનિક અને સ્માર્ટ સિટી તરફ લઈ જવાની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
