<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

અમદાવાદના રામોલ વિસ્તારમાં SMC ની મોટી કાર્યવાહી : દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું: રૂ.1.34 કરોડના મુદ્દામાલ સાથે ચુનારામ જાટની ધરપકડ

કન્ટેનરમાં ખૂબ જ ચાલાકીથી સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો :પોલીસે આ દરોડા દરમિયાન કુલ 19,848 નંગ દારૂની બોટલો જપ્ત કરી

અમદાવાદના રામોલ એસપી રિંગ રોડ પર SMCની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. જ્યારે આ કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કન્ટેનરમાં ખૂબ જ ચાલાકીથી સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન કુલ 19,848 નંગ દારૂની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ 6 લાખ રૂપિયા જેટલી થાય છે. 

પોલીસે દારૂના જથ્થા સાથે કન્ટેનર અને અન્ય સાધનો મળીને કુલ 1.34 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ચુનારામ જાટ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે આ ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલો હતો. જોકે, આ કેસમાં હજુ પણ ઘણા મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 5 આરોપીઓ હાલ ફરાર છે. SMC દ્વારા આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને રાજ્યમાં નશાનો સામાન ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ પોલીસની સતર્કતાને કારણે રામોલ વિસ્તારમાં SMCએ દરોડા પાડવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.

(9:35 PM IST)