<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વાવ-થરાદમાં કોંગ્રેસને મોટો ફટકો : જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરને ટિકિટ નહીં મળતા 50 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

કેશાજી ચૌહાણની હાજરીમાં કેસરિયો ધારણ કરી તેમણે તુરંત જ ભાજપ માટે પ્રચાર શરૂ કર્યો: વાવ-થરાદ બેઠકો પર કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે

વાવ-થરાદ પંથકના રાજકારણમાં વહેલી સવારે એક મોટો વળાંક આવ્યો છે. કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ અને ઠાકોર સમાજના અગ્રણી મહિલા નેતા ભાવનાબેન ઠાકોરે  કોંગ્રેસ સાથેનો છેડો ફાડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

ભાવનાબેન ઠાકોરે તેમના 50 જેટલા સક્રિય સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા કેશાજી ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અનિલ માળી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓની હાજરીમાં ભાવનાબેને ભાજપની વિચારધારા સાથે જોડાઈને પક્ષને મજબૂત કરવાની નેમ વ્યક્ત કરી હતી. 50 ટેકેદારોના સામૂહિક પક્ષપલટાથી  વિસ્તારના રાજકીય સમીકરણો બદલાયા છે.

ભાવનાબેન ઠાકોરના કોંગ્રેસ છોડવા પાછળનું મુખ્ય કારણ ટિકિટની વહેંચણીમાં થયેલી અન્યાયની લાગણી હોવાનું સામે આવ્યું છે. તેમણે આગામી જિલ્લા પંચાયતની બેઠક માટે કોંગ્રેસ પાસે ટિકિટની માંગણી કરી હતી. જોકે, કોંગ્રેસે ભાવનાબેનની અવગણના કરીને બળવંતજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત, અન્ય બેઠકો પર રમેશ રબારીને મહત્વ મળતા ભાવનાબેન રોષે ભરાયા હતા. પક્ષ દ્વારા પાયાના કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવતા તેમણે અંતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.

(10:21 PM IST)