તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
સોશિયલ મીડિયા વળગણના કેસમાં પાંચ વર્ષમાં ૪૭૦ ટકા જેટલો વધારો
માતા-પિતા ટકોર કરે તો પણ બાળક ઉશ્કેરાઈ જાય છે : AI એપ સહિતના વધુ ઉપયોગને લીધે પરિવાર સાથે સંવાદ ઘટયો

અમદાવાદ,તા.૧૩: દક્ષિણ ભારતના બે રાજ્યોએ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પાબંદી લાદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની ચર્ચા ગુજરાતમાં પણ વહેતી થઈ છે ત્યાં ગુજરાતમાં સોશિયલ મીડિયા વળગણના કેસમાં ચિતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૫-૨૬ એમ છેલ્લા પાંચ વર્ષમાં સોશિયલ મીડિયા વળગણના ૧,૮૧૮ દર્દીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૬ દર્દી હતા, જોકે ૨૦૨૫-૨૬માં ૬૬૧ દર્દી સારવાર માટે આવ્યા છે. આમ સોશિયલ મીડિયા વળગણના કેસમાં પાંચ વર્ષમાં ૪૭૦ ટકા જેટલો વધારો થયો છે.
દારૂ અને નશાની જેમ મોબાઈલ પર સોશિયલ મીડિયાની લત પણ હવે ભારે પડી રહી છે. આ આંકડા માત્ર સરકારી મેન્ટલ હોસ્પિટલના ડિજિટલ ડિટોક્સ સેન્ટરના છે. રાજ્યની અન્ય હોસ્પિટલોમાં આ પ્રકારના કેસ મોટા પાયે આવતા હોવાનું મનાય છે. તબીબોનું કહેવું છે કે, કે, મોબાઈલના વળગણને લીધે લીધે ગુસ્સો આવવો, ચીડિયાપણું જેવી સમસ્યા ઊભી થાય છે. માતા પિતા કોઈ વાતની ટકોર કરે તો પણ બાળકો આક્રમક થઈ જાય છે. મેન્ટલ હોસ્પિટલમાં તબીબો દ્વારા વિવિધ સેશનથી સારવાર અપાય છે. તબીબો કહે છે કે, એઆઈ એપથી કાલ્પનિક પાત્ર સાથે વાર્તાલાપ જેવી બાબતોને લીધે પરિવાર સાથે જીવંત સંવાદ ઘટ્યો છે. નાનું બાળક ભોજન ના લે તેવી સ્થિતિમાં મા-બાપ મોબાઈલ ફોન આપે છે, અહીંથી જ સોશિયલ મીડિયાનું વળગણ શરૂ થાય છે. મોબાઈલ ફોનનો ઉપયોગ એ કંઈ ખોટું નથી પરંતુ વધુ પડતો સ્કીન ટાઈમ અને દુરુપયોગ ન થાય તેની કાળજી લેવાની જરૂર છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા વળગણના કેસનું પ્રમાણ બાળકોથી માંડી યુવાનોમાં ધીમે ધીમે વધી રહ્યું છે, આ સ્થિતિને કારણે પરિવાર સાથે જીવંત સંવાદ ઓછો થતો દેખાઈ રહ્યો છે.
વર્ષ પુરૂષ સ્ત્રી બાળકો કુલ
૨૦૨૧-૨૨ ૫૩ ૩૬ ૨૭ ૧૧૬
૨૦૨૨-૨૩ ૮૯ ૬૭ ૭૬ ૨૩૨
૨૦૨૩-૨૪ ૧૧૮ ૯૨ ૧૦૮ ૩૧૮
૨૦૨૪-૨૫ ૧૭૧ ૧૪૬ ૧૭૪ ૪૯૧
૨૦૨૫-૨૬ ૨૩૮ ૧૭૭ ૨૪૬ ૬૬૧
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
