<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

૨૦૦૨ના ગુજરાત રમખાણ કેસમાં અમદાવાદ કોર્ટનો મહત્વનો ચુકાદો : પુરાવાઓના અભાવે માધવપુરા પથ્થરમારા કેસના તમામ ૯ આરોપીઓને નિર્દોષ જાહેર કરી બરી કરાયા

૨૩ વર્ષ પછી પણ સાક્ષીઓ આરોપીઓને ઓળખવામાં નિષ્ફળ રહ્યા : ગેરકાયદેસર રીતે મંડળી રચી હિંસા આચરવાનો ગુનો સાબિત કરવામાં પ્રોસીક્યુશન નિષ્ફળ રહેતા કોર્ટે આપ્યો ફેંસલો

 અમદાવાદ:  ૨૦૦૨ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલા એક અત્યંત મહત્વના કેસમાં અમદાવાદની સ્થાનિક અદાલતે મોટો ચુકાદો આપતા ૯ આરોપીઓને બરી કરી દીધા છે. આ આરોપીઓ પર રમખાણો કરવા, ગેરકાયદેસર મંડળી રચવી અને પથ્થરમારો કરવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. જોકે, દાયકાઓ લાંબી કાનૂની લડત બાદ અદાલતે પુરાવાના અભાવે તમામ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

 

 શું હતી સમગ્ર ઘટના?

૯ મે ૨૦૦૨ના રોજ અમદાવાદના માધવપુરા વિસ્તારમાં પથ્થરમારો અને હિંસાની ઘટના બની હતી. આ મામલે પોલીસે કુલ ૧૧ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેસની લાંબી સુનાવણી દરમિયાન ૧૧ આરોપીઓમાંથી ૨ આરોપીઓના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે બાકીના ૯ આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહી હતી.

 

 કોર્ટનું અવલોકન અને ચુકાદો:

આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે પ્રિસીક્યુશન આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવેલા ૪ મુખ્ય સાક્ષીઓ ૨૩ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આરોપીઓને ઓળખી શક્યા નહોતા, જેને કારણે કેસ નબળો પડ્યો હતો.

અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આરોપીઓ ગેરકાયદેસર રીતે એકઠા થયા હતા અથવા તેમનો હેતુ રમખાણો કરી કોઈ સમુદાયના જાન-માલને નુકસાન પહોંચાડવાનો હતો તેવું સાબિત થઈ શક્યું નથી. આ સંજોગોમાં શંકાનો લાભ આપીને તમામ ૯ આરોપીઓને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે.

 

 ૨૦૦૨ના રમખાણોનો ઇતિહાસ:

ગૌધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બાઓ સળગાવવાની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વ્યાપક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ટ્રેન દુર્ઘટનામાં ૫૯ કારસેવકોના કરુણ મોત થયા હતા. એ કેસમાં વર્ષ ૨૦૧૧માં ફાસ્ટ ટ્રેક કોર્ટે ૩૧ લોકોને દોષિત જાહેર કર્યા હતા, જેમાંથી ૧૧ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જોકે, ઓક્ટોબર ૨૦૧૭માં હાઈકોર્ટે આ ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી. અન્ય ૨૦ દોષિતોને પણ આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી.

 

માધવપુરા પથ્થરમારા કેસના આ તાજા ચુકાદાને ૨૦૦૨ના રમખાણો સાથે જોડાયેલી કાનૂની પ્રક્રિયામાં એક મહત્વની ઘટના તરીકે જોવામાં આવી રહી છે. ૨૩ વર્ષ બાદ આવેલા આ ફેંસલાથી અનેક પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.

(3:01 PM IST)