News of Monday, 13th April 2026
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં મુક્ત અને ન્યાયી મતદાન માટે ગુજરાત પોલીસ સજ્જ : રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે આણંદમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને કડક કાર્યવાહી કરવા અને સંવેદનશીલ મતદાન મથકો પર ડ્રોન-બોડી વોર્ન કેમેરાથી બાજ નજર રાખવા ડો. કે. એલ. એન. રાવના આદેશ

આણંદ: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે આજે આણંદની મુલાકાત લીધી હતી. રાજ્ય પોલીસ વડાએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક સર્વગ્રાહી બેઠક યોજીને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
બહુસ્તરીય સુરક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ:
બેઠક દરમિયાન ડો. રાવે સ્થાનિક પોલીસની સાથે સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPF) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના જવાનોના તૈનાતી પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ચૂંટણી દરમિયાન ડ્રોન દ્વારા આકાશી દેખરેખ રાખવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ ફરજિયાત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ઈવીએમ રાખવાના સ્ટ્રોંગ રૂમ માટે બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવા અને અધિકારીઓને તેનું નિયમિત નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી.
અસામાજિક તત્વો અને અફવાઓ પર ત્રાટકશે પોલીસ:
ચૂંટણીમાં ખલેલ પહોંચાડતા તત્વો સામે કડક વલણ અપનાવતા ડો. રાવે જણાવ્યું કે, લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાંઓની પ્રક્રિયા વેગીલી બનાવવી. ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવતા તત્વો સામે સાયબર સેલને ૨૪ કલાક સક્રિય રહી તુરંત કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જે મતદાન મથકોને 'ક્રિટિકલ' અથવા સંવેદનશીલ જાહેર કરાયા છે, ત્યાં પોલીસ અધિકારીઓને રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા ચકાસવા જણાવાયું છે.
મતદારોમાં વિશ્વાસ જગાડવા 'એરિયા ડોમિનેશન':
આચારસંહિતાના કડક અમલ માટે તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા અને ઉમરેઠ મતવિસ્તારમાં મતદારો નિર્ભય થઈ મતદાન કરી શકે તે માટે 'એરિયા ડોમિનેશન' કવાયત હાથ ધરવા પોલીસ તંત્રને નિર્દેશ અપાયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમને તમામ મતદાન મથકો સાથે સતત સંપર્કમાં રહેવા અને સંચાર વ્યવસ્થાનું ટેસ્ટિંગ કરવા પણ સૂચના અપાઈ હતી.
રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે ઉમરેઠના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારના ડર વગર, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને. ગુજરાત પોલીસ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે સંપૂર્ણપણે સંકલ્પબધ્ધ છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
